છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં એક અત્યંત નિંદનીય અને શરમજનક ઘટના સામે આવી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતી એક સગીરા પર બે અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. આ બે આરોપીઓમાંથી એક આરોપી સગીરાનો શિક્ષક જ હતો. ક્વાંટ પોલીસે આ નરાધમ શિક્ષકને ઝડપી પાડ્યો હતો. ક્વાંટ તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો ઉમંગ હર્ષદભાઈ રાઠવા નામનો આરોપી સગીરાને ફોસલાવીને એક હોટેલમાં લઈ ગયો હતો.


શિક્ષક સગીરાને ફોસલાવીને હોટલમાં લઈ ગયો હતો

ત્યાં તેણે આખી રાત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ બીજા દિવસે સવારે શિક્ષક સગીરાને એસ.ટી. ડેપો પર છોડીને ફરાર થઈ ગયો હતો. કમનસીબે આ ઘટનાનો સિલસિલો અહીં જ અટક્યો નહોતો. એસ.ટી. ડેપો પર ઊભેલી સગીરાને એક અન્ય યુવકે પણ એકલતાનો લાભ ઉઠાવીને પોતાની સાથે લઈ ગયો હતો. આ યુવક સગીરાને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને ત્યાં તેણે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને ઘટનાઓ બાદ ગભરાયેલી સગીરાએ ઘરે જઈને પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

2 અલગ અલગ વ્યક્તિઓ સામે નોંધાઇ હતી ફરિયાદ

સગીરાની માતાએ આ મામલે તાત્કાલિક ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્વાંટ પોલીસે તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી અને દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી, શિક્ષક ઉમંગ રાઠવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી શિક્ષકની સઘન પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસેથી બીજા આરોપી યુવક અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર ક્વાંટ પંથકમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો હતો. 

  • Follow us on: