ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર પ્રવેશોત્સવ ઉજવીને તાયફા કરી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં એવી અનેક પ્રાથમિક શાળાઓ છે જ્યાં બાળકોને બેસવા માટે પુરતા ઓરડા નથી કે અભ્યાસ કરાવવા માટે પુરતા શિક્ષકો પણ નથી. રાજ્યના આદિવાસી જિલ્લા છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષણમાં ભૌતિક સુવિધાઓનો ભારે અભાવ છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના અલસીપુર પ્રાથમિક શાળામાં પણ ઓરડાના અભાવે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે


બાળકોને ભૌતિક સુવિધા જ નથી

છોટા ઉદેપુર જીલ્લામાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે.જેની પાછળ ભૌતિક સુવિધાઓનો અભાવ પણ એક મહત્વનું કારણ છે. એક શાળા એવી જોવા મળી છે કે જ્યાં 1 થી 5 ધોરણના બાળકોને એક જ જગ્યાએ એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

બે ઓરડા ખૂબ જ જર્જરીત છે

છોટા ઉદેપુર જીલ્લાના અલસીપુર પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ છે. જેમાં 3 ઓરડા છે.જેમાંથી બે ઓરડા ખૂબ જ જર્જરીત છે.જેમાં વરસાદી પાણી પડી રહ્યું છે જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને બેસવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં હાલ 44 વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાંથી કેટલાક બાળકોને ઓટલા ઉપર અને બાકીના બાળકોને એક ઓરડામા બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે.

શાળામાં બે શિક્ષકોનું મહેકમ

આટલું ઓછું હોય તેમ શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે જેમાંથી માત્ર એક જ શિક્ષક છે. કેટલીક વાર આ શિક્ષિકા ને મિટિંગ અથવા કોઈ સરકારી કામ માટે જવાનું થાય ત્યારે શાળાના બાળકોની હાલત કફોડી થઈ જાય છેઅને બાળકોનું શિક્ષણ બગડે છે.

મંજૂરી આવેથી ઉતારી પાડવાની કાર્યવાહી

આ અંગે તાલુકા શિક્ષણાધિકારી વાત કરતા તેઓએ જણાવ્યું કે અલસીપુર પ્રાથમિક શાળાના ઓરડા ઉતારી પાડવાની દરખાસ્ત આવી છે.જેની હજુ મંજૂરી મળી નથી.મંજૂરી આવેથી ઉતારી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે.

શાળાના ઓરડા ઉતારી લેવાથી બાળકોની સમસ્યા દૂર થાય તેમ નથી

હાલ તો અલસીપુર પ્રાથમિક શાળાના બાળકો એક ઓરડામાં તેમજ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર છે અને તંત્ર દ્વારા શાળાના ઓરડા ઉતરવાની વાત થઇ રહી છે પરંતુ શાળાના ઓરડા ઉતારી લેવાથી બાળકોની સમસ્યા દૂર થાય તેમ નથી. શાળાના નવા ઓરડા બનાવવાની જરુરીયાત છે અને તે પણ ઓછા સમયમાં બને તે જરુરી છે પણ તે પહેલાં આ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. જે તંત્ર ક્યારે કરે છે તે જોવું રહ્યું.

  • Follow us on: