છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ જે દર્દીઓ માટે આરોગ્ય અને સુરક્ષાનું પ્રતિક હોવી જોઈએ તે આજે રખડતા ઢોરના ત્રાસનો શિકાર બની છે. હોસ્પિટલના પરિસરમાં અને અંદરના ભાગોમાં પણ ગાયોની અવરજવર સામાન્ય બની ગઈ છે. જે દર્દીઓ, તેમના સંબંધીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ચિંતાનો વિષય બન્યો છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના વોર્ડ રૂમની બહાર જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય છે ત્યાં પણ ગાયો લટાર મારતી સ્પષ્ટપણે નજરે પડી હતી.
રખડતા ઢોર ગંદકી અને ચેપીરોગોના પ્રસારનું કારણ બની શકે છે
આટલું જ નહીં લેબ રૂમ અને બ્લડ સ્ટોરેજ રૂમ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોની આસપાસ પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો. આ સ્થિતિ હોસ્પિટલની સ્વચ્છતા, આરોગ્ય સુરક્ષા અને દર્દીઓની ગોપનીયતા માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. હોસ્પિટલ જેવી જગ્યાએ ઢોરની હાજરીથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેમાં સૌથી પહેલાં તો ઢોરના મળ-મૂત્રથી ગંદકી ફેલાય છે. જે ચેપ અને રોગોના પ્રસારનું કારણ બની શકે છે.
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ
ખાસ કરીને હોસ્પિટલ જેવા વાતાવરણમાં જ્યાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે ત્યાં આ પ્રકારની અસ્વચ્છતા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત ઢોરના આક્રમક વર્તનથી દર્દીઓ કે મુલાકાતીઓને ઈજા થવાનો ભય પણ રહે છે. આ મામલે હોસ્પિટલ વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. રખડતા ઢોરને પકડીને તેમને સલામત સ્થળે ખસેડવા અને હોસ્પિટલ પરિસરની ફરતે યોગ્ય વાડ લગાવી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવી અનિવાર્ય છે.