છોટા ઉદેપુર જીલ્લામાં ઝોળી વિકાસ જોવા મળી રહ્યો છે, તેના પુરાવા અવારનવાર જોવા મળી રહ્યા છે. આજે વધુ એક વખત ભૂંડમારીયા ગામની પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને ત્રણ થી ચાર કિલોમીટર દૂર 108 સુધી લઈ જવાની ફરજ પડી હતી.


રસ્તો બન્યો ના હોવાથી પ્રસૂતાને બહાર લઈ જવામાં તકલીફ પડી

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી રહી છે. ખૂણે ખૂણે રસ્તા બની ગયા હોવાના દાવા કરી રહી છે. ત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ છોટા ઉદેપુર જીલ્લાના અંતરિયાળ વિસ્તારના ભૂંડમારિયા ગામના રસ્તા બન્યા નથી જેના કારણે આજે પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને કાચા કાદવ કિચ્ચડવાળા રસ્તે લઈને જવું પડ્યું હતું, અગાઉ પણ 30 જૂનના રોજ આ જ ગામની એક મહિલાને આવી જ રીતે ઝોળી ઉંચકીને લઈ જવાઈ હતી.

ત્રણ ત્રણ કોતર પસાર કરીને બહાર જઉ પડે છે

ભૂંડમારીયા ગામના 7 ફળીયામાં 1600 જેટલી વસતી આવેલી છે જેમાં એક નિશાળ ફળીયામાં રસ્તો છે બાકીના ફળીયામાં રસ્તાનો અભાવ હોવા મળી રહ્યો છે, જેના કારણે ગામના લોકોને આરોગ્યને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ગામમાંથી કોઈને પણ બીમાર હોય ત્યારે લઈ જવા માટે ઝોળીમાં ઉંચકીને કાદવ કિચ્ચડવાળા રસ્તા અને ત્રણ ત્રણ કોતર પસાર કરીને જવાની ફરજ પડે છે.

આઝાદી પછી રોડ ના બન્યા હોવાનો દાવો

અગાઉ ગત સોમવાર તા.7 જુલાઈના રોજ ઝોળી મામલે છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના નિવેદનને લઈને આદિવાસી વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આદિવાસી સમાજની માફી માગવાની વાત કરી છે, અને કહ્યું કે, અમને આ વીડિયો બનાવવો શોખ નથી પરંતુ અમે આ વીડિયો અમારી મુશ્કેલી અને તકલીફ સરકાર સુધી પહોંચે તે માટે બનાવીએ છે, જો એ અમારા વિસ્તારથી પરિચિત નથી અહીંયા આવીને જુએ તો તેમણે પણ ખબર પડે, હાલ તો ઝોળી મામલે સરકારનું વહીવટીતંત્ર દોડતું થયું છે, પરંતુ તેમાં કેટલો બદલાવ અને ક્યારે આવશે તે સમય બતાવશે.


  • Follow us on: