ગુજરાતમાં વિકાસના મોટા દાવા વચ્ચે છોટા ઉદેપુરમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે. છોટા ઉદેપુરના પડવા ગામમાં એક સગર્ભા મહિલાને ઝોળીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી હતી. ત્યારબાદ એમ્યુલન્સ થકી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જિલ્લામાં અનેક લોકો એવા છે જે કાચા ઝૂંપડામાં રહે છે અને તેમના રહેણાંકથી હોસ્પિટલ સુધી જવા માટે રસ્તો પણ નથી.


છોટાઉદેપુરના ક્વાંટમાં પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં પ્રસૂતાને પ્રસુતિ માટે ઝોળીમાં લઈ જવાની ત્રીજી ઘટના સામે આવી છે. જિલ્લાના પડવા ગામમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારની એક મહિલાને પ્રસૂતિ માટે ઝોળીમાં ઉંચકીને બે કિ.મી જેટલુ ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી હતી. મહિલાના પરિવારજનો ચાલતા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ ગયા હતાં.

ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપ્યો બાળકને જન્મ

જંગલ જેવા વિસ્તારમાં જાણે પર્વતનું ચઢાણ કરી રહ્યાં હોય તેવા રસ્તાઓ પરથી મહિલાઓને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ ખાતે લઈ જવી પડે તેવી સ્થિતિ સામે આવી છે. પડવા ગામની મહિલાને તેના પરિવારના સભ્યો બે કિ.મી સુધી ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતાં. ત્યાર બાદ એમ્બ્યુલન્સ થકી તેને ક્વાંટ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.


  • Follow us on: