છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની કરોડોની કેનાલમાં ગાબડાં પડયા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં જ કેનાલમાં ગાબડા પડવાના કારણે તે ચાલુ નથી કરી એ પહેલા ગાબડા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેનાલમાં ગાબડા પડતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
કેનાલમાં ગાબડાંથી ખેડૂતો ચિંતિત
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજનાના નવીનીકરણ અને કેનાલોના આધુનિકીકરણ માટે રૂ. 225 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાના પ્રથમ તબક્કાનું કામ રૂ. 70 કરોડના ખર્ચે પૂરું થવા આવ્યું છે. જેમાં સુખી ડેમથી 21 કિલોમીટર સુધીની જમણા કાંઠાની કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.જોકે, આ નવીનીકરણ કરવામાં આવતી કેનાલમાં પ્રથમ વરસાદમાં જ બે જગ્યાએ ગાબડાં પડ્યા છે. ખાસ કરીને, મુઢિયારી ગામ પાસે જ્યાં કોતર પર કેનાલ બનાવવામાં આવી છે, ત્યાં નીચે પાઇપ (ભૂંગળા) ન નાખવાના કારણે આ ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે.
કેનાલના સમારકામનો અધિકારીનો દાવો
નોંધનીય છે કે, સતત બીજા વર્ષે આ જ સ્થળે ગાબડું પડ્યું છે. આ બાબતે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સાથે વાત કરતા જણાવ્યું કે, "આખી કેનાલમાં ગાબડાં પડ્યા નથી, માત્ર બે જગ્યાએ જ પડ્યા છે." તેમણે સ્વીકાર્યું કે, આ ગાબડાં એવા સ્થળોએ પડ્યા છે જ્યાં કોતર પર કેનાલ બનાવવામાં આવી છે અને તેના નીચેના ભાગમાં પાણીના નિકાલ માટે પાઇપ (ભૂંગળા) નાખવામાં આવ્યા નથી. અને વહેલી તકે કેનાલના નીચેના ભાગમાં કોતરનું પાણી સરળતાથી નીકળી શકે તે માટે કામગીરી હાથ ધરીને કેનાલનું સમારકામ કરવામાં આવશે."