છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદને કારણે ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. નસવાડી ટાઉન ઉપરાંત કૂકાવટી અને કંડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો.


લાંબા વિરામ બાદ નસવાડીમાં વરસાદ

ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદ ખેંચાતા તેઓ ચિંતામાં મુકાયા હતા. ગરમી અને બફારાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. ત્યારે આજે વરસેલા વરસાદથી પાકને જીવનદાન મળ્યું છે. આ વરસાદથી ખેતીની જમીનને પૂરતું પાણી મળતા પાક સારો ઉતરવાની આશા ખેડૂતોમાં બંધાઈ હતી.

નસવાડી સહિત કૂકાવટી, કંડવામાં ભારે વરસાદ

નસવાડી, કૂકાવટી, કંડવા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોએ ગરમી અને બફારામાંથી રાહતનો અનુભવ કર્યો હતો. આ વરસાદે ફક્ત ખેડૂતોને જ નહીં પરંતુ સામાન્ય જનતાને પણ ખુશ કરી દીધા હતા. ખેડૂતોને આશા છે કે હવે આ વરસાદની સિઝન ચાલુ રહેશે અને વાવેલા પાકને પાણીની અછત નહીં સર્જાય.


  • Follow us on: