છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-કવાટ રોડ પર આવેલા મગનપુરા ગામ નજીક રસ્તાની બિસ્માર હાલતથી કંટાળેલા આસપાસના વિસ્તારના ગ્રામજનોએ ચક્કાજામ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધને કારણે માર્ગ પર લગભગ 2 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટના બોડેલી-કવાટ રોડ પર મગનપુરા ગામ પાસે સર્જાઈ હતી. રોડની અત્યંત ખરાબ અને બિસ્માર હાલતને લઈ લોકોએ ચક્કાજામ સર્જ્યો હતો.


મગનપુરા પાસે બિસ્માર રોડને લઇને ચક્કાજામ

પંથકના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામને કારણે મુખ્ય માર્ગ પર લગભગ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ અને ગ્રામજનોના ઉગ્ર વિરોધની જાણ થતાં જ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું અને બે દિવસમાં રસ્તો રિપેર કરવાની લેખિત ખાતરી આપી હતી.

અધિકારીઓની ખાતરી બાદ મામલો થાળે પડ્યો

અધિકારીઓની બાંહેધરી બાદ બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને ગ્રામજનોને સમજાવીને ચક્કાજામ હટાવ્યો હતો. મામલો થાળે પડતાં પોલીસે ટ્રાફિકને હળવો કરવાની અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનોની આ રજૂઆતથી આખરે તંત્ર સફાળું જાગ્યું છે અને રસ્તાના સમારકામની ખાતરી મળતા લોકોને રાહત મળી છે.


  • Follow us on: