છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામે આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. આ દુર્ઘટના બપોરના લગભગ 12:30 વાગ્યાના અરસામાં બની હતી. મૃતક મહિલા ખેતરમાંથી ઘાસ કાપીને પોતાના ઘરે જઈ રહી હતી. તે સમયે અજાણતા જ તે લટકતા વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ. વીજ વાયરને સ્પર્શતા જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો.
ઘાસ કાપીને ઘરે જતી મહિલાને લાગ્યો કરંટ
વીજ કરંટ લાગવાથી તે મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને વીજ કંપનીને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.













