અમદાવાદના નારોલમાં 4 શખ્સોએ પિતા પુત્ર પર હુમલો કરતા પિતાનું મોત નીપજ્યું અને પુત્ર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. બહેનના પ્રેમીને ઠપકો આપતા પ્રેમીના મિત્રોએ આ હત્યા કરી છે. હાલમાં નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે કોણ છે આ આરોપીઓ, જોઈએ આ અહેવાલ.


અદાવત રાખીને આરોપીઓ હથિયારો સાથે ધસી આવ્યા

નારોલ પોલીસે આરોપીઓ વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત અને સાહિલ યાદવની હત્યા કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓએ નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સમાં એક પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ પરિવારની દીકરી એક યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકા રાખીને તેના ભાઈએ તે યુવકને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને આરોપીઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હથિયારોથી હુમલો કરતા નીરજકુમાર ભૂમિહારનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના દીકરા સત્યમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ગત રવિવારે શુભકુમારના ઘરની નીચે બુમાબુમ થતાં તે ત્યાં ગયા હતા. ત્યારે શુભકુમારના પિતરાઈ ભાઈ સત્યમ સાથે કેટલાક શખ્સો બોલાચાલી ઝઘડો કરતા હતા. મારામારી કરતી વખતે એક શખ્સે સત્યમ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી શુભકુમાર અને તેમના કાકા સત્યમને બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે ચાર શખ્સો પૈકીના લોકોએ શુભકુમાર અને તેમના કાકા પર પણ છરી વડે હુમલો કરી દીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તપાસમાં ખુલ્યું છે કે સત્યમની બહેનને આદિત્ય નામના યુવક સાથે વાતચીત થતી હોવાની શંકાના આધારે સત્યમે આદિત્યને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં 4 લોકોએ હથિયારથી હુમલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્ત્વનું

આ મામલે નારોલ પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહિલ યાદવ અને બિપીન ઉર્ફે સત્યવાન યાદવ સામે હત્યાનો ગુનો નોંધીને 3 આરોપી વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહિલ યાદવની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. નારોલ પોલીસે હત્યા કેસમાં 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર બિપિન યાદવ નામના આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ હત્યા કાંડમાં આદિત્ય નામના યુવકની સંડોવણીને છે કે નહીં તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તે જોવું મહત્ત્વનું છે.

  • Follow us on: