અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલો અને કોર્ટોને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનારા આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી છે. પોલીસે પશ્ચિમ બંગાળમાંથી આરોપી સૌરવ બિશ્વાસની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી દ્વારા વિવિધ સ્કૂલો અને કોર્ટોને ઈ-મેઈલ દ્વારા ધમકીભર્યા સંદેશા મોકલવામાં આવ્યા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ફેલાઈ હતી.
ડિજિટલ ટ્રેલના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી દ્વારા મોકલાયેલા કેટલાક ઈ-મેઈલમાં ખાલિસ્તાની સમર્થન દર્શાવતા સંદેશાઓ પણ હતા. આ ઈ-મેઈલ મળતા જ રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટ પરિસરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી અને ડિજિટલ ટ્રેલના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
બોમ્બ ધમકી આરોપીને મુદ્દે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે શું કહ્યું?
આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને કોર્ટોને બોમ્બની ધમકી આપતા ઈ-મેઈલ મળતા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સૌરભ તરીકે ઓળખાતો હતો, પરંતુ તેનું સાચું નામ માઈકલ બિશ્વાસ છે. આરોપી ઈ-મેઈલ આઈડી હેક કરીને તેને અન્ય દેશોના લોકોને વેચતો હતો. આ વેચાણ USDT અને અન્ય ક્રિપ્ટોકરન્સી દ્વારા થતું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો
શરદ સિંઘલના જણાવ્યા મુજબ આરોપીએ અમદાવાદમાં થયેલા કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીએ સુરત, વડોદરા અને રાજકોટ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પણ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પોલીસ પણ હવે આરોપીની પૂછપરછ કરશે. JCPએ વધુમાં જણાવ્યું કે પોલીસે લગભગ 15 દિવસ પહેલા આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન પોલીસે પણ USDT દ્વારા રૂપિયા ચૂકવીને આરોપી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દેશભરની અનેક પોલીસ એજન્સીઓ આ આરોપીની શોધમાં હતી.
આરોપી માત્ર 12મા ધોરણ સુધી ભણેલો
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડેડ ઈ-મેઈલ એકાઉન્ટનો ડેટા મેળવી તેની રિકવરી આઈડી બદલીને તેને વેચતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આરોપીની બહેનની સંડોવણી પણ સામે આવી છે. આરોપી માત્ર 12મા ધોરણ સુધી ભણેલો હોવા છતાં સાયબર ક્ષેત્રે નિષ્ણાત માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર વેબસાઇટ્સને બંધ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ આરોપી સામે સાયબર ટેરરિઝમ સહિતની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : Rajkot News: RMCની દબાણ હટાવ શાખાનો સપાટો, ગેરકાયદે દબાણો દૂર કરી દંડ વસુલ્યો