અમદાવાદ મનપા સંચાલિત સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે.એક યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ આજે વિપક્ષે SVP હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં દર્દીઓ પર મેડિકલ સ્ટુડન્ટ્સ પર નિર્ભર રહી સારવાર કરવામાં આવે છે અને સિનિયર ડોક્ટરો રાઉન્ડ પણ લેતા નથી. સારવાર દરમિયાન યુવતીની માતાનું મોત થયું હતું. SVP હોસ્પિટલ મા માતાને સારવાર માટે લાવેલ યુવતી એ વીડિયોમાં ગંભીર આક્ષેપ કર્યા છે.
મૃતક મહિલાના પરિવારજને આક્ષેપો કર્યા
યુવતીના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ પાસે અગાઉથી જ અનેક કાગળો પર સહી લેવામાં આવે છે. તેના કહેવા મુજબ, દર્દીની જવાબદારી હોસ્પિટલ પર ન રહે તે માટે અલગ-અલગ દસ્તાવેજો પર સહી લેવાય છે.સહી લેવામાં આવેલા કાગળોનો ફોટો પાડવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. સિનિયર ડોક્ટર રાઉન્ડ નથી લેતા.આંખના સ્પેશિયલ ડોક્ટર પણ હોસ્પિટલમાં નહીં હોવાથી નગરી હોસ્પિટલમાંથી બોલાવવા પડ્યા હતા. સારવારમાં નામે શું ચાલે છે તેની માહિતી કે ફોટો અને કેસ પેપરનો આપતા નથી. દર્દીઓના સગાઓને મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.જેથી હોસ્પિટલની અંદરની સ્થિતિ બહાર ન આવે.
વિપક્ષે હોસ્પિટલનો ઘેરાવ કર્યો
આ મામલો સામે આવતા જ વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ સહિતના કાર્યકરોએ SVP હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે SVP હોસ્પિટલ દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર નહીં પરંતુ પ્રયોગશાળા બની ગઈ છે.ખાસ કરીને PMJAY કાર્ડ ધરાવતા દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવે છે.વિપક્ષે SVP હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ સંજય ત્રિપાઠીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સુપરિટેન્ડન્ટ સંજય ત્રિપાઠી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આ કેસમાં ડોક્ટરની કોઈ બેદરકારી નહીં હોવાનો દાવો
આ મામલે SVPના સુપ્રિટેન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આ કેસમાં ડોક્ટરની કોઈ બેદરકારી નથી. દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે ન્યૂમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી. જમણી બાજુના ફેફસામાં ન્યૂમોનિયાના કારણે અસર થઈ હતી. દરેક HOD રેગ્યુલર રાઉન્ડ લઈને માહિતી આપવામાં આવતી હતી. રોજન કેટલા મોત થાય છે તેવું પૂછતા કહ્યું કે અમારે ત્યાં રોજના 4-5 મોત થાય છે.દર્દીઓ અને તેમના સગાઓને મોબાઇલ લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી.જો સિક્યુરિટી સ્ટાફ મોબાઇલ લઈ જવા અટકાવતો હોય તો તે બાબત તેમના ધ્યાનમાં નથી.હોસ્પિટલમાં રહેલા ખાનગી બાઉન્સર અને કામગીરથી અગાઉ વિવાદ બાદ વધુ એક વિવાદ SVPના નામે આવ્યો છે. તપાસ કરવાના આદેશ થી આપ્યા છે પણ જવાબદાર કોણ તે હજુ પ્રશ્ન ઉભો જ છે.
આ પણ વાંચોઃ Surat: મોટા વરાછામાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, હવામાં ફંગોળાયેલા યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ