અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 2023માં થયેલા ઘાતકી અકસ્માત કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગ્રામ્ય કોર્ટમાં આ કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આ ઘટનાને 3 વર્ષ પૂરા થયા બાદ આખરે કોર્ટમાં આરોપી સામે ચાર્જફ્રેમ થઈ છે, જેના આધારે હવે બંને પર કેસની ટ્રાયલ શરૂ થશે.
10થી વધુ મુદતો બાદ ચાર્જફ્રેમ પૂર્ણ
આ કેસમાં ચાર્જફ્રેમ માટે 10થી વધુ મુદતો પડી હતી, પરંતુ આજે આખરે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા 3 અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, જેને અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.
ઘાતકી અકસ્માત – 9 લોકોના મોત
20 જુલાઈ 2023ના રોજ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ ઝડપે જેગુઆર કાર હંકારતા ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જે બાદ શહેરમાં રોષ અને આક્રોશ ફેલાયો હતો. આ કેસમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અનેક ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હવે કોર્ટમાં શરૂ થશે ટ્રાયલ
ચાર્જફ્રેમ થયા બાદ હવે કેસની ટૂંક સમયમાં વિગતવાર ટ્રાયલ શરૂ થશે અને બંને આરોપીઓ સામે પુરાવા અને સાક્ષીઓની રજૂઆત થશે. આગામી દિવસોમાં કોર્ટની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
ચાર્જશીટમાં મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરાંત 14 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા
ચાર્જશીટમાં મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરાંત 14 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે અને 191 સાહેદો છે. પોલીસ દ્વારા 8 સાક્ષીઓના કલમ-164 નિવેદનો, 191 સાક્ષીઓના નિવેદનો અને 15 દસ્તાવેજી પુરાવા ચાર્જશીટમાં રજૂ થયા. તથ્યએ જેલમાંથી છુટવા ઘણા હવાતિયાં કર્યા હતા જેમાં 12 ડિસેમ્બર 2024માં નિયમિત જામીન માટે અરજી કરી હતી તો દાદાની અંતિમવિધિમાં હાજર રહેવા પોલીસ જાપ્તા હેઠળ જામીન પર બહાર આવ્યો હતો. તેણે પિતાની બીમારીના કારણ દર્શાવી સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. . તેણે અલગ-અલગ કોર્ટોમાં 10 થી વધુ વખત જામીન અરજી કરી ચૂક્યો છે.