વિરમગામની મહિલા તાંત્રિકે વેપારીને માતાજીના નામે ડરાવી અને ધન પ્રાપ્તિની લાલચ આપી લાખ્ખો રુપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મહિલા તાંત્રિકે તમારી પર ઈશ્વરની કૃપા રહેશે તેમ જણાવી અલગ અલગ વિધીના બહાને પરિવાર પાસેથી સોનાના દાગીના અને રુપિયા પડાવી લીધા હતા.


પોલીસે કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકને ઝડપી પાડી

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસે કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકને ઝડપી પાડી છે. કોમલ પોતાના પતિ અને બે બાળકો સાથે વિરમગામમાં વસવાટ કરતી હતી.આ પહેલા તે પંચમહાલમાં પરિવાર સાથે રહેતી હતી. તે સમયે ફરિયાદી દિનેશ શેઠ સાથે તેની મુલાકાત થઈ હતી.

 રોકડ અને દાગીના મળી 67 લાખ પડાવી લીધા

ફરિયાદી દિનેશ શેઠની દુકાન કપાતમાં હોવાથી તાંત્રિક વિધી અને માતાજીની ઈશ્વરીય કૃપા રહેશે તેમ કહી મહિલા એ ફરિયાદીને વાતોમાં લઈ રોકડ અને દાગીના મળી 67 લાખ પડાવી લીધા હતા. એક વર્ષમાં મહિલાએ અલગ અલગ બહાને રુપિયા પડાવ્યા હતા.

દિનેશભાઇને લાલચ અપાવી

પોલીસે કોમલની ધરપકડ કરતા સામે આવ્યું કે કોમલ રાઠોડ અને ફરિયાદીનો સંપર્ક થયો હતો. જે બાદ કોમલને માતાજી આવતા હોવાનું કહીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. જેથી દિનેશભાઇએ તેમની દુકાન પર દબાણ આવવાનુ હોવાથી તુટી જાય તેમ છે અને નવી દુકાનનો સોદો કર્યો છતાંય નામે ન થતી હોવાની સમસ્યા જણાવી હતી. જે બાદ મહિલા તાંત્રિકે દુકાન પર માતાજીનું રક્ષણ આપવાનું કહીને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું હોવાનું કહીને દિનેશભાઇને પોતાની વાતમાં ભોળવ્યા હતા.

અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું

બાદમાં માતાજીનો શણગાર ચઢાવવા માટે ચિઠ્ઠીમાં દાગીનાનું લિસ્ટ લખી આપીને ઉછીના નાણાં આંગડિયા મારફતે મેળવ્યા હતા. જે બાદ મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનુ વિધી કરીને ઘરમાં ખેચી લાવવાની લાલચ આપી હતી. ફ્લોરીંગ તોડાવીને ત્યાં પુજા વિધી કરાવીને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું હતું. કોમલે વિધી પુરી થયા પહેલા દરવાજો ખોલશો તો માતાજીના પ્રકોપથી મોતને ભેટશો અને મોટું નુકશાન થશે તેવો ડર બતાવ્યો હતો. જેમા કુલ 67 લાખ પડાવી લીધા હતા..

ખાડામાં જોતા માત્ર ચુંદડી મળી

મહિલા તાંત્રિક કોમલે લાંબો સમય અલગ અલગ વિધી કરી હતી. જો કે ફરિયાદીને શંકા જતા ઘરમા રહેલા ખાડામાં જોતા માત્ર ચુંદડી મળી હતી.તે સિવાય તમામ દાગીના અને રોકડ રકમ ન મળતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

પોતાના હાથમાથી કંકુ પણ ખેરવતી

તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી લોકોને વિશ્વાસમાં લેવા પોતાના હાથમાથી કંકુ પણ ખેરવતી હતી.જેથી પોલીસે મહિલા તાંત્રિકે અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા તે અંગે તપાસ શરુ કરી છે

  • Follow us on: