અમદાવાદમાં લોકો અસમાજિક તત્વોની જેમ તાંત્રિકોની હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વિરમગામમાં એક ફરસાણના વેપારીને મહિલા તાંત્રિકે 67 લાખનો ચુનો લગાવ્યો. ફરસાણના વેપારીની દુકાન નીચે ધન છુપાયેલું છે. આ ધન પાછું મેળવવવા મહિલા તાંત્રિકે વિધિ કરવા વેપારી પાસેથી લાખો રૂપિયા અને કિમંતી દાગીના પડાવી લીધા. છેતરપિંડી થયાનું માલૂમ પડતા ફરસાણના વેપારીએ વિરમગામની મહિલા તાંત્રિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરસાણના વેપારી સાથે થઈ છેતરપિંડી
આ પોલીસ ફરિયાદ મુજબ વેપારી વિરમગામમાં માંડલ રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે. આ દુકાન હાલમાં દબાણમાં આવવાની હોવાથી તૂટવાની છે. વેપારી દુકાનને લઈને ભારે આર્થિક કટોકટીનો સામનો કરતો હોવાથી તેમણે આ દુકાન વેચવાનો નિર્ણય કર્યો. પરંતુ નવી દુકાનનો સોદો કર્યા બાદ પણ તેમના નામે દસ્તાવેજ થયો નહોતો. દરમિયાન તેઓ એક મહિલા તાંત્રિકના સંપર્કમાં આવ્યા. ગોધરાની રહેવાસી આ મહિલા તાંત્રિકે કહ્યું કે તમારી દુકાન નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું છે. આ ધન હું તમને પાછું મેળવવામાં મદદ કરીશ.
મહિલા તાંત્રિકની માયાજાળમાં ફસાયો વેપારી
મહિલા તાંત્રિકની મીઠી માયાજાળમાં વેપારી ફસાઈ ગયા. આ મહિલા તાંત્રિકે વેપારીને કહ્યું કે તમારી દુકાનની સમસ્યા માટે મારે કેટલીક વિધિ કરવી પડશે અને હું મારી વિદ્યા થકી તમારી દુકાનનું રક્ષણ કરીશ અને તમારું ધન તમને આપીશ. તાંત્રિકે વિધિના બહાને વેપારી પાસેથી થોડા-થોડા કરી 67 લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમ લીધી હતી. જ્યારે પણ મહિલા તાંત્રિક વિધિ કરતી ત્યારે વહેલા દરવાજો ખોલસો તો મોત થવાની ધમકી આપી હતી.
પોલીસે કરી તાંત્રિકની ધરપકડ
અને એક વખત જ્યારે આ મહિલા તાંત્રિક વિધિ કરતી હતી ત્યારે વેપારીને શંકા ગઈ અને અધવચ્ચે જ તેઓ એ ઓરડામાં ગયા. જ્યાં કોઈ મહિલા કે કોઈ વિધિ થતી નહોતી. આમ, છેતરપિંડી થયાનું સામે આવતા ફરસાણના વેપારીએ મહિલા તાંત્રિક સામે છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી. વેપારીની ફરિયાદ બાદ કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકની પોલીસે ધરપકડ કરી.