અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ મોકલવા માટે ડીલીવરી બોયની મદદ લેવામાં આવે છે. તેવી જ રીતે ઓનલાઈન શોપિંગ કંપનીઓના ડીલરોને ત્યાં કામ કરતાં ડીલીવરી બોય પણ વસ્તુઓની ડીલીવરી કરવા માટે ગ્રાહકોના ઘરે ઘરે જતા હોય છે. ત્યારે શહેરના ખાડીયા વિસ્તારમાં એમેઝોન કંપનીના ડીલરના ત્યાં કામ કરતો એક ડીલીવરી બોય ઓનલાઇન ઓર્ડરનું ડિલીવરી પાર્સલ લઇ ફરાર થઈ ગયો હતો.


કંપનીના અધિકારીએ ખાડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ખાડિયામાં એમેઝોન કંપનીના એક ડિલરને ત્યાં કામ કરતો ડીલીવરી બોય 164 મોબાઇલ સહીત 49 લાખની કિંમતની ચીજવસ્તુના પાર્સલ લઇને ફરાર થઈ ગયો હતો. ડીલરે આ ડીલીવરી બોયને ગ્રાહકોને અલગ અલગ જગ્યાએ પાર્સલ આપવા માટે મોકલ્યો હતો. પરંતુ બપોર બાદ આ યુવક પાર્સલ આપીને પરત આવ્યો નહોતો અને તેણે ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી એમેઝોન કંપનીના અધિકારીએ ખાડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

164 પાર્સલમાં આઈફોન સહિતના મોબાઈલ હતાં

અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એમેઝોન કંપનીની ડીલરશીપ ચલાવતા સલીમભાઈ મન્સૂરીને ત્યાં 14 જુલાઈએ સવારે નરોડામાં આવેલા એમેઝોનના ગોડાઉનમાંથી 171 પાર્સલો મોકલાયા હતા. જે પાર્સલો ગ્રાહકો સુધી પહોંચ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જેની કંપનીના અધિકારીએ તપાસ કરી હતી. જેથી ડીલરે તેમને કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી સબર મન્સુરી નામનો યુવક તેમના ત્યાં કામ કરે છે. તેને પાર્સલો ગ્રાહકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું પણ પાર્સલ આપ્યા બાદ તે પરત આવ્યો નહોતો. તેના ઘરે પણ તે હાજર નહોતો મળ્યો. 164 પાર્સલમાં આઈફોન સહિતના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન હતાં. જ્યારે અન્ય પાર્સલમાં બીજી કોઈ વસ્તુઓ હતી. જેની કિંમત 49 લાખ જેટલી થાય છએ. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: