અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રોડ પર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.એક્ટિવા ધીમે ચલાવવાનું કહેવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર ચાકુ અને દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.પોલીસે આ મામલે ક્રોસ ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે હુમલાખોરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ટુ વ્હીલર ઓવરટેક કરવા બાબતે બોલાચાલી

મળતી માહિતી મુજબ કુબેરનગરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો વચ્ચે ઓવરટેક કરવા બાબતે અને એક્ટિવા ધીમે ચલાવવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી.આ સામાન્ય વાતનો ખાર રાખીને મનીષ અને સોનું નામના બે શખ્સોએ અન્ય વાહન ચાલકને રસ્તા પર ધમકાવ્યો હતો. આટલેથી ન અટકતા, બંને શખ્સો પવન નામના વ્યક્તિના ઘરે પણ ધમાલ મચાવવા પહોંચ્યા હતા.પવન ઘરે ન મળતા બંનેએ તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ મોડી રાત્રે આદર્શ સ્કૂલના મેદાન પાસે મનીષ અને સોનું ફરીથી પવનને માર મારવાના ઈરાદે પહોંચ્યા હતા. 

તીક્ષ્ણ ચાકુ જેવા હથિયારો લાવ્યા 

આ વખતે બંને શખ્સો પોતાની સાથે દંડા અને તીક્ષ્ણ ચાકુ જેવા હથિયારો લાવ્યા હતા. તેમણે પવન પર તૂટી પડીને તેને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં પવનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત પવનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે હુમલાખોરો દ્વારા ઘરે આવીને કરવામાં આવેલી દાદાગીરી અને તોડફોડના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસ દોડી આવી હતી. 


આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરની હદ બહાર ફાયર ચાર્જમાં વધારો, સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગનો મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયો


  • Follow us on: