અમદાવાદમાં દારૂબંધીનો અમલ કરવા માટે પોલીસ કડક જોવા મળે છે. છાશ વારે પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી પકડાતી હોય છે. ખુદ પોલીસ કર્મી જ બુટલેગર નીકળે અને દારૂની ખેપ મારે તેવા પણ બનાવો સામે આવતા હોય છે. હવે શહેરમાં રાણિપ વિસ્તારમાં રહેતા સોમાભાઈ નામના વ્યક્તિના ઘરે સિક્યુરિટી તરીકે રાખવામાં આવેલો એક કોન્સ્ટેબલ દારુ પીને ગયો હતો. જેથી તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રોહિબિશન એક્ટ હેઠળ લક્ષ્મણસિંહને 1 વર્ષની સજા
અમદાવાદમાં રાણિપ વિસ્તારમાં રહેતા સોમાભાઈ નામના વ્યક્તિના ઘરે સિક્યુરિટી માટે એક હથિયારધારી કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહને રાખવામાં આવ્યો હતો. આ કોન્સ્ટેબલ દારુ પીને ડ્યુટી પર ગયો હતો. જ્યારે પોલીસ ઈન્સપેક્ટર સરપ્રાઈઝ ચેકિંગમા નીકળ્યા ત્યારે કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પીઆઈએ તેમને હથિયાર બાબતે પૂછતાં તેમણે પેટીમાંથી હથિયાર કાઢીને બતાવ્યું હતું. આ કેસમાં કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારને ગ્રામ્ય કોર્ટે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક વર્ષની સજા ફટકારી છે.













