અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથક નજીક ધોળા દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જી છે. પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ અશોક ઓડ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ હત્યાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મૃતકના પરિવારજનો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.


ધોળે દિવસે પોલીસ મથક બહાર જ કરાઇ હત્યા

મળતી માહિતી પ્રમાણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની બહાર જ અજાણ્યા શખ્સોએ અશોક ઓડ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી, ગાયકવાડ હવેલી પોલીસ મથકે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા પરિજનોએ પોલીસ સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો હતો. પરિવારનો આરોપ છે કે પોલીસની હાજરી હોવા છતાં આ પ્રકારે હત્યા થવી તે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે.

પરિવારજનોના આક્રોશ અને ચક્કાજામ

પરિવારજનોના આક્રોશ અને ચક્કાજામને કારણે ગાયકવાડ હવેલી અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. સ્થિતિને થાળે પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

કડક સજાની ખાતરી ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે

પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને તેમને કડક સજાની ખાતરી ન મળે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. હાલમાં પોલીસ મથક બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ દ્વારા હત્યારાઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot: વિંછીયામાં બની વધુ એક શરમજનક ઘટના, 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર સ્કૂલવાન ચાલક ઝડપાયો


  • Follow us on: