અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના મામલે એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી છે. પોલીસ તપાસ મુજબ, ગત રાત્રે આ દંપતી પોતાના સગાને ત્યાં જમવા ગયું હતું અને ત્યાંથી પરત ફર્યા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. યશરાજસિંહ ગોહિલની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં પત્નીને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે પોતે જ 108 ને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની માતાને પણ કહ્યું હતું કે 'ભૂલથી ગોળી વાગી ગઈ છે'. જોકે, પત્નીના કરુણ મોતથી આઘાતમાં આવી ગયેલા યશરાજસિંહે ત્યારબાદ પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.
માતાને કર્યો હતો ફોન
ઘટના સમયે યશરાજસિંહના માતા ઘરમાં જ હાજર હતા, પરંતુ પરિવાર હાલમાં ઊંડા શોકમાં હોવાથી પોલીસ તેમની વિસ્તૃત પૂછપરછ કરી શકી નથી. ACP એ વધુમાં જણાવ્યું હતું કે, બંને મૃતકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને આખી ઘટનામાં લાયસન્સ વાળા હથિયારનો ઉપયોગ થયો છે. સત્ય જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) કરાવવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ હત્યા હતી કે અકસ્માતે થયેલું ફાયરિંગ. હાલમાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે અને પરિવારના નિવેદનો બાદ આ લોહીયાળ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.













