અમદાવાદમાં રહેતી અને સીઆઈડી ક્રાઈમમાં નોકરી કરતી મહિલા કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે. આ મહિલા કર્મચારીએ પેન્શન કચેરીમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને ઠગાઈ આચરી છે. પતિના મોત બાદ બીજા લગ્ન કર્યા હોવાનું તેણે છુપાવ્યું હતું. ખોટા પ્રમાણપત્રોના આધારે તેણે 14.89 લાખ રૂપિયા પેન્શન લીધું હતું. આ અંગે અમદાવાદ અધિક તિજોરી અધિકારીએ ફરિયાદ નોંધાવતા કારંજ પોલીસે જુનિયર ક્લાર્ક મહિલા કર્મચારી સામે તપાસ હાથ ધરી છે.


CID ક્રાઇમની મહિલા કર્મચારીએ કરી છેતરપિંડી

પ્રાપ્ત વિગતો પ્રમાણે કલોલના વતની હાર્દિક પ્રજાપતિ પેન્શન કચેરીમાં અધિક તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમદાવાદના મણીનગરમાં રહેતા દક્ષાબેન વ્યાસના પતિ કાર્તિક વ્યાસ પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતાં. તેમને કેન્સરની બિમારી થતાં 1993માં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ દક્ષાબેને પેન્શન મેળવવા બીજા લગ્ન નથી કર્યા તેવા ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને પતિનું પેન્શન મેળવતા હતાં. તેમણે પતિની જગ્યાએ સીઆઈડી ક્રાઈમમાં રેલવેની કચેરીમાં નોકરી મેળવી હતી.

ખોટા પ્રમાણપત્રો આધારે 14.89 લાખનું પેન્શન લીધું

દક્ષાબેને બીજા લગ્ન કરી લીધા હોવાની પોલીસને જાણ થતાં તેમની ખાતાકિય તપાસ હાથ ધરાઈ હતી. 2020માં તેમનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું. દક્ષાબેને 1995થી 2020 સુધીમાં 14.89 લાખ રૂપિયા પેન્શન મેળવ્યું હતું. જેથી દક્ષાબેને સરકાર સામે ઠગાઈ આચરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પેન્શન વિભાગને પત્ર મળ્યો હતો. જેથી અધિક પેન્શન અધિકારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મી સામે ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: