અમદાવાદમાં પોલીસ વધી રહેલા ક્રાઈમ રેટને લઈને બધું જ બરાબર હોવાની ગુલબાંગો ફૂંકે છે. પરંતુ અસમાજિક તત્વોનો વધી રહેલો આતંક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. પોલીસ લુખ્ખા તત્વોને પાઠ ભણાવતી હોવાની વાતો કરે છે. પરંતુ જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ અમદાવાદના મેમકો વિસ્તારમાં એક ટ્રાવેલ્સ ઓફિસમાં કેટલાક લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.


અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વોનો આંતક

અમદાવાદના મેમકો વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ આખો રોડ બાનમાં લઈને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આરોપીઓ આખો રસ્તો રોકીને જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતાં. આ લોકોને રસ્તામાંથી સાઈડમાં ખસવાનું કહેતા જ હુમલો કરી દેવાયો હતો. આ તત્વોએ એક ટ્રાવેલ્સની ઓફિસમાં ઘૂસીને કોમ્પ્યુટર સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી હતી અને દુકાનદારને ધમકી પણ આપી હતી. અસામાજિક તત્વોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં. આ સમગ્ર બાબતે શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદમાં પોલીસનો જાણે કોઈ ડર જ ના રહ્યો હોય તેમ અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં ગુનાખોરી કાબુમાં હોવાની વાત કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જાણે શહેરમાં ગુનાખોરીને કાબુમાં લઈ લીધી હોય તેવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ ચિત્ર કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે. પોલીસ કે કાયદાનો કોઈપણ પ્રકારનો ડર ના હોય તેમ અસામાજિક તત્વો સામાન્ય લોકો સામે આતંક ફેલાવી રહ્યાં છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી હોવા છતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. 


આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતના શાળા સંચાલકો સરકાર સામે આક્રમક મૂડમાં, FRC અને ભરતી મુદ્દે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય


  • Follow us on: