અમદાવાદ શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતી હિંસાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ચાણક્યપુરી સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાલીઓના ભારે હોબાળા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. બીજી તરફ, મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં કસૂરવાર શિક્ષક સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.


શિસ્તના નામે કાયદો હાથમાં લીધો

સમગ્ર વિવાદ અંગે ચાણક્યપુરી સ્કૂલના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં સતત તોફાન કરી રહ્યો હતો, જેના કારણે શિક્ષક લક્ષ્મણ પરાએ શિસ્તના ભાગરૂપે તેને લાફો મારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવ્યા હતા. 

શિક્ષકને સસ્પેન્ડ કરાયો

શાળા પરિસરમાં વાલીઓએ આવીને ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. વાલીઓની ઉગ્ર માંગણી અને બાળકની સુરક્ષાને ધ્યાને રાખીને સ્કૂલ પ્રશાસને માર મારનાર શિક્ષક લક્ષ્મણ પરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

DEOની નોટિસનો સ્કૂલે આપ્યો જવાબ

આ ઘટના સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કડક વલણ અપનાવી નોટિસ પાઠવવામાં આવી હતી. પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે DEOની નોટિસનો સત્તાવાર જવાબ રજૂ કરી દીધો છે અને શાળા કક્ષાએથી શિક્ષક સામે સસ્પેન્શનના પગલાં લઈ લેવાયા છે. જો કે, બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે થયેલા આ ચેડાં બદલ વાલીઓએ શિક્ષકને કાયદાનું ભાન કરાવવા પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા છે અને પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય

  • Follow us on: