અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ એટલા આક્રોશમાં છે કે વિદ્યાર્થીની ડેડબોડી લઇને વાલીઓ સ્કૂલ આગળ પહોંચ્યા છે પરિણામે સ્કૂલ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સ્કુલ પર તૈનાત કરી દેવાઇ છે. બીજી તરફ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
વાલીઓએ શાળામાં મોટા પાયે તોડફોડ કરી હતી
સેવન્થ ડે સ્કુલના વિદ્યાર્થીની શાળાના જ અન્ય વિદ્યાર્થીએ કરી હત્યાના પગલે લોકોમાં અને શાળાના વાલીઓમાં ભારે આક્રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં મોટા પાયે તોડફોડ કરી હતી અને આચાર્યને ટપલી દાવ પણ કર્યો હતો. શાળાની ગંભીર બેદરકારી આ મામલામાં બહાર આવી છે કારણ કે શાળાના ગેટ પાસે જ આ બનાવ બન્યો હતો છતાં ઘાયલ વિદ્યાર્થીની મદદ કરાઇ ન હતી
મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા નિકળી
અત્યારે મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા નિકળી છે અને સેવન્થ ડે સ્કૂલ થઇને તે જશે જેથી સ્કૂલ પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા છે. લોકોના ટોળા સ્કૂલની બહાર ભેગા થઇને રોડ પર જ બેસી ગયા છે જેનાથી ટ્રાફિક પણ ખોરવાઇ ગયો છે. સ્કૂલ સામે જ્યારે અંતિમ યાત્રા આવી ત્યારે થોડી મિનીટો માટે અંતિમ યાત્રા રોકી દેવાઇ હતી અને ત્યારબાદ અંતિમ યાત્રા આગળ વધી હતી
મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
જો કે શાળાની બહાર હજું પણ વાલીઓ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલીક મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘટનાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે