અમદાવાદમાં ટેમ્પો પાર્કિંગ બાબતે વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. 5 જેટલા શખ્સોએ ભેગા મળીને હુમલો કર્યો છે. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે આ મામલે બાપુનગર પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે શું હતી આ સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં.


3થી 4 શખ્સોને બોલાવીને વેપારી મનુભાઈની દુકાનમાં ઘૂસીને માથાકૂટ કરી માર માર્યો

બાપુનગરના બંસીધર કોમ્પ્લેક્ષમાં નજીવી બાબતમાં એક વેપારી પર પાંચ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાની વાત કરીએ તો બંસીધર કોમ્પ્લેક્ષમાં કાપડનો વ્યવસાય કરતાં વેપારી મનુ ભદ્રેસિયાની દુકાન બહાર પાણી સપ્લાય કરતો એક ટેમ્પો ઉભા રાખતા તે ટેમ્પો ચાલક જીગરને ત્યાંથી ટેમ્પો હટાવી દેવાનું કહેતા જ ઝઘડો કર્યો હતો. જે બાદ ટેમ્પો ચાલક જીગરે અન્ય 3થી 4 શખ્સોને બોલાવીને વેપારી મનુભાઈની દુકાનમાં ઘૂસીને માથાકૂટ કરી વેપારી મનુ અને તેના પુત્ર મિતને લાકડી અને દંડા વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો.

બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી

બાપુનગર પોલીસે સીસીટીવીના આધારે આરોપી ટેમ્પો ચાલક જીગર, વિકી દેસાઈ, કેડી સાવધરીયા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ વેપારીએ આક્ષેપ કર્યા છે કે આરોપીઓ વિસ્તારમાં દાદાગીરી કરતા હોય છે. જોકે લાકડી દંડા લઈને મારામારી કરી હોવાથી આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાની શક્યતા છે. કારણકે વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને મારામારી કરી છે. હાલ બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ વેપારીઓ દ્વારા સ્થાનિક પોલીસને આ ટોળકી અંગે રજુઆત કરી હતી. પરંતુ હવે હુમલા અને ધમકીઓ વધી જતા આખરે વેપારીઓ પોલીસ મથક સુધી પહોંચ્યા છે. સાથે જ પોલીસ પાસે આશા રાખી રહ્યા છે કે આવા અસામાજીક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વેપારીઓના માથે રહેલો ભય દુર થાય. 

  • Follow us on: