અમદાવાદના વ્યસ્ત ગણાતા ઇસ્કોન ચાર રસ્તા નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દબાણ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક દબાણકર્તાઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ટૂંક સમયમાં જ ઉગ્ર ઘર્ષણમાં પરિવર્તિત થઈ ગયો. દબાણકર્તાઓ અને AMCની દબાણ હટાવનારી ટીમ, ખાસ કરીને મજૂરો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.


3 મજૂરો ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

ઘર્ષણ દરમિયાન AMCની ટીમ સાથે કામ કરી રહેલા 3 મજૂરોને ઇજા પહોંચી હતી. દબાણકર્તાઓ સાથેની મારામારીમાં તેમને નાની-મોટી ઈજાઓ થતાં કામગીરી તાત્કાલિક અટકાવવી પડી હતી. ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. દબાણ હટાવવા જેવી કાયદેસરની સરકારી કામગીરીમાં આ પ્રકારે હિંસક વિરોધ થવો તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પોતાના કર્મચારીઓ પર થયેલા હુમલાને ગંભીરતાથી લઈને AMC ના દબાણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. દબાણ વિભાગે આ હિંસક ઘર્ષણ સર્જનાર અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરનાર દબાણકર્તાઓ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે 3 મજૂરોને ઇજા પહોંચાડવા અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ દબાણકર્તાઓની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.


  • Follow us on: