ગુજરાતમાં નબીરાઓ દ્વારા બેફામ કાર ચલાવતા અનેક અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. આ ઉપરાંત પોલીસ પુત્રો પણ બેખૌફ બનીને કાર ચલાવી અકસ્માતો સર્જાતા હોવાના બનાવો સામે આવે છે. ત્યારે ભાવનગરમાં એક પોલીસ પુત્રએ બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. કાર રેસિંગ કરતા પોલીસ પુત્રએ ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું.


બે કાર વચ્ચે રેસ લગાવી હોવાથી આ અકસ્માત સર્જાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના કાળીયાબીડના શક્તિ માતા મંદિર પાસે કાર ચાલક પોલીસ પુત્ર બેફામ બન્યો હતો. તેણે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. આ ઉપરાંત એક બાઈક ચાલકને પણ અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ત્રણ જેટલી 108 દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સ્થાનિકોનું કહેવું હતું કે, બે કાર વચ્ચે રેસ લગાવી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસ પુત્રને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ ઉપરાંત ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. બનાવ બાદ પોલીસ પુત્રને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠું થયું હતું.


  • Follow us on: