રૂપિયા કમાવવાની લાલચમાં અમદાવાદનો બુટલેગર ડ્રગ્સ પેડલર બન્યો છે. મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદ શહેરમાં છુટક વેચાણ કરતો હતો. આ અંગે રામોલ પોલીસે બાતમીના આધારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી આરોપીને 11 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે અન્ય બે ફરાર સપ્લાયરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


આરોપી મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં છુટક વેચાણ કરતો હતો

પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપીનું નામ જુબેર ઉર્ફે છોટુ રંગરેજ છે. દાણીલીમડાના રહેવાસી આ આરોપીની રામોલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્સ નજીકથી ખાનગી ટ્રાવેલર્સમાંથી પોલીસે આરોપીને 87 ગ્રામ 840 મિલી એમડી ડ્રગ્સ અને 58 ગ્રામ 140 મિલીગ્રામ બ્રાઉન હેરોઈન અને રોકડ સહિત કૂલ રૂપિયા 11 લાખ 75 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. જે ડ્રગ્સનો જથ્થો તે મુંબઈના રઈસ ઉર્ફે હૈદર પાસેથી લાવ્યો હતો. આરોપી મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં છુટક વેચાણ કરતો હતો.

આરોપી વિરૂદ્ધ અગાઉ 6 પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે જુબેર રંગરેજ તેના બે મિત્રો સરફરાજ શેખ અને સિદ્દીક શેખ સાથે ખાનગી કારમાં મુંબઈ પહોંચ્યા હતા. જો કે ત્યાંથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યા બાદ જુબેર ખાનગી બસમાં અમદાવાદ પહોંચ્યો હતો. આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા પ્રોહિબિશનના ગુના દાખલ થઈ ચુક્યા છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને તે કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યો છે અને અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ડ્રગ્સનો જથ્થો વેચતો હતો, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય બે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ડ્રગ્સનું દુષણ ડામવા માટે પોલીસે હવે ડ્રગ્સ માફિયાઓની સાથે સાથે ડ્રગ્સ પેડલરો વિરુદ્ધમાં પણ તવાઈ બોલાવી છે અને એક પછી એક ડ્રગ્સ પેડલરોને પકડવામાં આવી રહ્યા છે. સાથે જ ડ્રગ્સ પેડલર અને સપ્લાયર દ્વારા પડીકી બનાવી નાની નાની માત્રામાં થતી ડ્રગ્સની હેરાફેરી રોકવા અને યુવાધનને બચાવવા માટે કાર્યવાહી શરુ કરી છે.

  • Follow us on: