અમદાવાદ ગ્રામ્યના પોશ વિસ્તાર શેલામાં બિલ્ડરોના માણસોએ કોન્ટ્રાક્ટરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ કરાવવા પહોંચેલા કોન્ટ્રાકટરને બિલ્ડરના માણસોએ ઢોર માર મારતા સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શું હતો સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.
કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયાની વારંવાર માગણી કરી હોવા છતાં બિલ્ડર ચુકવણી કરતો નહતો
મુકેશ પરમાર નામના વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સાઈડ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શેલામાં નવી બની રહેલી વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઈટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મુકેશ પરમારને આપેલો હતો. આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચુકવણી કરવામાં નહોતી, જેના કારણે જો પેમેન્ટ નહીં આવે તો સાઈટ ઉપર કામ બંધ કરવાની ચીમકી કોન્ટ્રાક્ટર તેમજ ફરિયાદી મુકેશ પરમારે ઉચ્ચારી હતી અને તેમના કારીગરોને આ બાબતે સમજાવટ કરવા માટે જ્યારે મુકેશ પરમાર સાઈટ પર પહોંચ્યા, ત્યારે બિલ્ડરના 4 માણસોએ મુકેશ પરમારને ઢોર માર માર્યો હતો. જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ફ્લોરિંગના કામ માટે કોન્ટ્રાક્ટરને આશરે 1.50 કરોડ રૂપિયા લેવાના હતા
વિશ્વનાથ બિલ્ડર્સ સાથે ફરિયાદી મુકેશ પરમાર છેલ્લા 25 વર્ષથી કામકાજ કરી રહ્યા છે, જોકે 25 વર્ષમાં ક્યારેય પણ આ પ્રકારનો બનાવ નહોતો બન્યો. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી ફરિયાદીને લેવાના નીકળતા રૂપિયા બિલ્ડર્સ દ્વારા ન ચૂકવતા ફરિયાદીએ તેમના કારીગરોને કામ ન કરવા માટે સૂચન કર્યું હતું. જેનો ગુસ્સો રાખીને બિલ્ડરના 4 વ્યક્તિઓએ મુકેશ પરમાર પર હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મુકેશ પરમારે નવી સાઈટ પર કરેલા ફ્લોરિંગના કામ માટે લેવાના નીકળતા આશરે 1.50 કરોડ રૂપિયા લેવાના હતા. આ કારણે મુકેશ પરમાર આર્થિક સંકડામણ અનુભવતા હતા, જેને લઈ કારીગરોને કામ અટકાવવા માટે સૂચના આપી હતી. હાલ તો સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ નોંધી ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ જગદીશ ઠાકોર સહિત 4 આરોપીઓની બોપલ પોલીસે ધરપકડ કરી છે અને આરોપીઓએ કોના કહેવાથી ફરિયાદીને માર માર્યો હતો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.