અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક શ્રમિકે પોતાની સાથે કામ કરતા અન્ય એક શ્રમિકની હત્યા નિપજાવી છે. ભોજન કર્યા બાદ ઝડપાયેલા આરોપી રણધીર ચૌહાણે મૃતક પ્રદિપ ઉર્ફે બાબુલાલ સરોજ પાસેથી બીડી પીવા માટે માગી હતી. જોકે મૃતક પ્રદિપ પાસે એક જ બીડી હોવાથી તેણે બીડી આપવાની ના પાડતા બંને વચ્ચે તકરાર થઈ હતી અને તે તકરારમાં 18 ઓગસ્ટની રાતે પ્રદિપની હત્યા કરવામાં આવી હતી. જે અંગે નિકોલ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.


આરોપી અને મૃતક પ્લમ્બિંગનું કામ સાથે જ કરતા હતા 

આ અંગે આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી કુણાલ દેસાઈએ કહ્યું કે હત્યા અંગે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મુળ ઉત્તરપ્રદેશના સાસુપુર ગામનો વતની છે અને અમદાવાદમાં નવી બનતી સ્કિમમાં પ્લમ્બિંગનું કામ કરે છે. સાથે જ આરોપી રણધીર ચૌહાણ પણ પ્લમ્બિંગનું કામ સાથે જ કરતા હતા. હત્યાની રાતે આરોપી અને મૃતક સાથે જમ્યા બાદ છુટા પડ્યા હતા. જોકે થોડી વાર પછી બીડી પીવા માટે એકઠા થતા મૃતક પાસે એક જ બીડી હોવાથી તેણે બીડી આપવાની ના કહેતા આરોપીએ લોખંડના સળીયા વડે માર મારતા તેનું મોત નિપજ્યુ હતુ.

પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું

જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા અંગે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. સાથે જ હત્યામાં કોઈની સંડોવણી છે કે કેમ, ઉપરાંત આરોપી અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે સામાન્ય બાબતમાં હત્યાઓ થઈ રહી હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે. 

  • Follow us on: