અમદાવાદના ખોખરા વિસ્તારમાં મિત્રોએ ઝઘડાની અદાવતમાં મિત્રની હત્યા નિપજાવી હતી, જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ મૃતકના દીકરાના જન્મના દિવસે હોસ્પિટલની બહાર પિતાની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 2 જુલાઈના રોજ અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં સંજીવની હોસ્પિટલની બહાર રવિને જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી હતી.
રવિ પર લાકડીઓ અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો
વસ્ત્રાલ ગામમાં રહેતા રવિ ખટીકની પત્ની ગર્ભવતી હતી, જેને ખોખરાની સંજીવની હોસ્પિટલમાં 1 જુલાઈના રોજ દીકરાનો જન્મ થયો હતો. દીકરાના જન્મની ખુશીઓ થોડીક ક્ષણમાં જ માતમમાં બદલાઈ ગઈ, કારણ કે રવિ ખટીક પત્નીને મળવા હોસ્પિટલમાં આવ્યો હતો, દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો, જ્યાં તેના ત્રણ મિત્રો હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બિસ્ટ અને સાગર રાજાવત ઈકો સ્પોર્ટ ગાડી લઈને આવ્યા અને રવિ પર લાકડીઓ અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ખટીક અને આરોપીઓ હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બિસ્ટ અને સાગર રાજાવત મિત્રો હતા. જેઓ ગાડીના લે-વેચનો ધંધો કરતા હતા.
આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા
મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેઓ પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. એક વર્ષ પહેલાં આરોપી નિખિલ બિસ્ટના ઘરે દીકરીનો જન્મ થયો તો રવિએ આ દીકરી નિખિલની નહીં હોવાનો કટાક્ષ કર્યો હતો, ત્યારબાદથી તેમની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી અને તેઓ વચ્ચે ઝઘડો અને અદાવત ચાલતી હતી. આ દરમ્યાન રવિના ઘરે દીકરાનો જન્મ થયો તો આરોપી નિખિલ બદલો લેવા મિત્રો સાથે રવિની હત્યા કરવા આવ્યો હતો અને જાહેરમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. ઝડપાયેલા ત્રણ આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. જેમાં હાર્દિકની સામે આર્મ્સ એક્ટ, રેપ અને પ્રોહીબિશન, નિખિલ સામે પણ પ્રોહીબિશન કે જે લિસ્ટેડ બુટલેગર પણ છે, સાગરની સામે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.