અમદાવાદના શહેરકોટડામાં દીકરી માટે બિસ્કિટ લેવા ગયેલા પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે એક સગીર સહિત 3 હત્યારાઓને ઝડપી લીધા છે. મૃતકના ભાઈ સાથેની અદાવતમાં આરોપીએ હત્યા કરી છે. રિક્ષામાં અપહરણ કરી 6 શખ્સોએ મારમારીને રોડ પર ફેંકી દીધો હતો. ત્યારે કોણ છે આ હત્યારા જોઈએ આ અહેવાલમાં.
3 જુલાઈએ મારામારીની બની હતી ઘટના
હાલમાં આરોપી સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને કાયદા સંઘર્ષમાં આવેલા કિશોર સહિત 6 આરોપીઓએ યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી, જેમને ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડીમાં લીધા છે. આ આરોપીઓએ સરસપુરમાં રહેતા ઉમંગ દંતાણીની હત્યા કરી હતી. આરોપી સુમિત પટણીને મૃતક ઉમંગના ભાઈ સૈનિક ઉર્ફે ભસમ દંતાણી સાથે જૂની અદાવત ચાલતી હતી, જેથી મૃતકની સાથે ઝઘડો કરી આરોપી અપહરણ કરી હત્યા કરી દીધી. ઘટનાની વાત કરીએ તો સરસપુર દેવીપુજક વાસમાં 3 જુલાઈની મોડી રાત્રે સુનિતા દંતાણીની એક વર્ષીય દીકરી ઉર્વશી રડી રહી હતી. જેના માટે પિતા ઉમંગ દંતાણી બિસ્કીટ લેવા નીકળી શારદાબેન હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા. ત્યાં રાધે પાન પાર્લર પાસે આરોપી સુમિત પટણીએ ઉમંગ સાથે ઝઘડો કરીને રિક્ષામાં બેસાડીને લોખંડ અને લાકડીના દંડા વડે ઉમંગને મારમારીને લોહીલુહાણ હાલતમાં સરસપુર વોરાના રોજા પાસે મૂકી ફરાર થઈ ગયા હતા.
ચાર વર્ષ અગાઉના ઝઘડાની અદાવતમાં બદલો લેવા માટે કરી હત્યા
આરોપી સુમિત પટણી, ઉમેશ પટણી કાયદાના સંઘર્ષ આવેલો કિશોર, વોન્ટેડ આરોપી રોહન પટણી,આકાશ પટણી અને પૂનમ પટણી ભેગા મળીને ઉમંગની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે નરોડા નિકોલ રોડ પર આવેલી ચિત્રકૂટ આવાસ યોજના મકાન પાસે છે, જેના આધારે ત્રણ લોકોને પકડી લીધા છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી સુમિત પટણી કબૂલાત કરી કે મૃતક ઉમંગના ભાઈ સૈનિક દંતાણી છેલ્લા ચાર વર્ષ અગાઉના ઝઘડાની અદાવતમાં બદલો લેવા માટે હત્યા કરી દીધી. આરોપીઓ લોખંડ અને લાકડીના દંડા વડે ઉમંગને ઉપરા છાપરી મારમારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
3 વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી
મૃતક અને આરોપી એક જ વિસ્તારના રહેવાસી છે. પરંતુ અંગત અદાવતમાં હત્યા કરી હતી. પકડાયેલા બે આરોપી પૈકી આરોપી સુમિત પટણી વિરુદ્ધ હત્યા અને મારમારીનો ગુના નોંધાયા છે. ત્યારે આરોપી ઉમેશ પટણી વિરુદ્ધ મારામારી, ધમકી સહિતના ગુના નોંધાયા છે. હાલ અન્ય 3 વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.













