અમદાવાદ શહેરની ગાયકવાડ પોલીસે ઓજેફ તિરમીજીની ખંડણી માગવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તોડબાજ યુટ્યુબર ટોળકીએ સગીરનો મારમારીનો વીડિયો યુટ્યુબ પર વાયરલ નહી કરવા ખંડણી માંગી હતી. ઘટનાની વાત કરીએ તો જમાલપુરમાં રહેતા એક સગીરના મિત્રો સાથે પૈસા લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડા અને મારમારીના વીડિયો તોડબાજ યુટ્યુબર ઓજેફ તિરમીજીએ યુટ્યુબ પર પોસ્ટ કરીને વાયરલ કર્યો હતો. સગીરે આ વીડિયો વાયરલ નહી કરવા અને વીડિયો ડિલીટ કરવા માટે ઓજેફને કહેતા ઓજેફે 10 હજારની ખંડણી માગી હતી. સગીરે રૂપિયા 5 હજાર આપ્યા બાદ પણ ઓજેફ વધુ વીડિયો યુટ્યુબર પર પોસ્ટ કરીને સગીરને બ્લેક મેઇલ કરી ખાંડણી માંગતો હતો. જેથી કંટાળીને સગીરે પાતાના પરિવારને જાણ કરતા પરિવારે ઓજેફ તિરમીજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસને માહિતી મળી હતી કે ઓજેફ પ્રાંતિજ પાસે છુપાયો છે જેના આધારે પોલીસે પ્રાંતિજથી ઓજેફની ધરપકડ કરી હતી. જ્યાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઓજેફ પોલીસથી બચવા માટે ફિનાઇલ પીને ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ પોલીસે તેના મેડિકલ કરાવીને તેની ધરપકડ કરી લીધી છે.


આરોપીને પકડવા ગયેલી પોલીસ પર કરાયા ખોટા આક્ષેપ 

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તોડબાજ ઓજેફ તિરમીજી અને તેની ટોળકીમાં આબેદા પઠાણ, અજીમખાન અને સાબિર શેખ વિરુદ્ધ અગાઉ 9 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં ચાંદખેડા, સાઇબર ક્રાઈમ બ્રાન્ચ, શાહપુર, વેજલપુર, ગાયકવાડ હવેલી અને દાણીલીમડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે. આ ટોળકી સ્થાનિક વેપારી કે બિલ્ડરનો વિડીયો બનાવી તેમના યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરતા હતા. તેઓ લોકોને બ્લેકમેઇલ કરીને ખંડણી માગી લાખો રૂપિયા પડાવતા હતા. આ પ્રકારે તેમણે અનેક લોકો પાસેથી તોડ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ટોળકી સાથે સંડોવાયેલ મહિલા આરોપી આબેદા પઠાણને પોલીસ પકડવા ગઈ હતી જ્યાં પોલીસ પર ખોટા આક્ષેપ કરી આ આરોપી મહિલા ત્યાંથી ભાંગી છૂટી હતી.

પોલીસે વધુ ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી શરૂ 

ગાયકવાડ હવેલી પોલીસે આરોપી ઓજેફની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવાની કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે તોડબાજ યુટ્યુબર ઓજેફ ગાયકવાડ હવેલી અને શાહપુર પોલીસ સ્ટેશન એમ મળી 3 ગુનામાં વોન્ટેડ હતો. હાલમાં પોલીસે આ ટોળકીના વધુ ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા વીડિયો મામલે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: