ગુજરાતમાં સારો પગાર મેળવનારા કર્મચારીઓ અને અધિકારીઓ કામ માટે આવેલા લોકો પાસે લાંચની માગણી કરતા હોય છે. આવા કર્મચારીઓ અને અધિકારીઓને ઝડપી પાડવા માટે ACB સક્રિય થઈ છે. રોજ બરોજ એક બે લાંચિયાઓને પકડવામાં આવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે તહેવારો આવતાં જ ACB એક્શનમાં આવી ગઈ છે અને ચાર જ દિવસમાં લાંચ લેતા પાંચ કર્મચારીઓને પકડી પાડ્યાં છે.


13 ઓક્ટોબરે અમદાવાદ અને અરવલ્લીમાં ACBની કાર્યવાહી

આજે 13 ઓક્ટોબરના રોજ અમદાવાદની સુભાષ બ્રિજ RTO કચેરીની જુનિયર કલાર્ક સ્વાતિબેન રાઠોડને ડુપ્લીકેટ આર.સી.બુક માટે ડોક્યુમેન્ટ વેરિફાઈ અને એપ્રુવલના નામે 800 રૂપિયાની લાંચ લેતા પકડી પાડી છે. સ્વાતિબેને ફરિયાદી પાસે લાંચની રકમ ક્યુઆર કોડ દ્વારા ટ્રાન્સફર કરાવી હતી. ACBએ તેને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી હતી. આ ઉપરાંત અરવલ્લીના મેઘરજમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના હપ્તા માટે કમિશન માંગનાર આઉટસોર્સ કર્મી નરેશ પટેલ અને ગ્રામસેવકને 52 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતાં.

11 અને 12 ઓક્ટોબરે પોલીસ વિભાગના બે કર્મચારી પકડાયા

ગઈકાલે 12મી ઓક્ટોબરે નડિયાદમાં SCST સેલના ASI જયદીપ સોઢાને 4 લાખની લાંચ લેતા ગાંધીનગર ACBએ રંગેહાથે ઝડપી લીધા હતાં. તેમણે આરોપીને જેલમાં નહીં મોકલવા લાંચની માગ કરી હતી અને કારમાં જ ફરિયાદી પાસેથી ચાર લાખ રૂપિયા લેતા એસીબીએ તેમને રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. 11 ઓક્ટોબરે નવસારીમાં એક પોલીસ કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ખેરગામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂના ગુનામાં માર નહીં મારવા એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ખેરગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડના કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલની લાંચના ગુનામાં ધરપકડ કરાઈ હતી.

4 અને 10 ઓક્ટોબરે ટ્રાફિક કર્મી અને કોન્સ્ટેબલ ઝડપાયા

 10 ઓક્ટોબરે અમદાવાદમાં એક ટ્રાફિક કર્મચારી એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ લાંચ ઉપરાંત બોનસ માટે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ ફરિયાદી પાસે પૈસાની માગણી કરી હતી. તેને અસલાલી સર્કલ નજીક એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડ્યો હતો. ચોથી ઓક્ટોબરે સુરતમાં સબ રજિસ્ટ્રાર મહેશ પરમાર જમીનના દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવા 2.50 લાખની લાંચ લેતા પકડાયો હતો. આ ઉપરાંત ચોથી ઓક્ટોબરે મહેસાણાની કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત કમલેકર ખેતીની જમીન NA કરવા 9 લાખની લાંચ લેતા પકડાયો હતો.


  • Follow us on: