પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
પોલીસે તોડ ના કર્યો પણ ખર્ચાના 5000 રૂપિયા તો કાઢી લીધા !
અમદાવાદમાં જાણીતા તળાવની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં 151 મૂજબ અટકાયતી પગલા લેવા માટે એક વ્યકિતને બોલાવવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે, તમારી વિરુદ્ધ એક અરજી આવી છે અને તેમાં 151 મૂજબ તમારી સામે અટકાયતી પગલા લેવામાં આવશે, બોલો શું કરવું છે, તો સામે વાળા વ્યકિતએ રકઝક કરી અને પોલીસને આજીજી કરી, જો કે આ મામલે પોલીસે 151 તો કરી જ નથી પણ ચા-પાણીના ખર્ચા પેટે રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે. ટૂંકમાં ફરિયાદી પણ ખુશ અને વહિવટદાર પણ ખુશ
મોડી રાત સુધી કિટલીઓ અને પાનના ગલ્લા થશે બંધ ! ટપોરીઓને પોલીસે કરાવશે કાયદાનું ભાન ?
રાજકોટ શહેર પોલીસ અને સુરત શહેર પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતા પોલીસ એકટિવ થઈ છે, તો બીજી તરફ સુરતમાં પણ મોડી રાત સુધી ધમધમતા પાનના ગલ્લા અને કિટલીઓમાં પોલીસે તપાસ કરી હતી અને પોલીસને જોતા લોકો જગ્યા છોડીને ભાગવા લાગ્યા હતા, તો અમદાવાદ શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી પાનના ગલ્લા અને કિટલીઓ ધમધમી રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ આ કિટલીઓ અને પાનના ગલ્લા બેઠેલા લોકો સામે કોઈ કાર્યવાહી કે પછી આ ગલ્લા અને કિટલીઓ બંધ કરાવશે કે નહી તેને લઈ શહેર પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે, અમદાવાદ શહેર પોલીસે પણ ટીમ બનાવીને પોશ વિસ્તારમાં મોડા સુધી ચાલતા કેફે બંધ કરાવવા જોઈએ તે સમયની માગ છે.
કંટ્રોલ રૂમ અને સ્પેશિયલ બ્રાન્ચમાં બેઠેલા PIને પોલીસ સ્ટેશન મળે તેવા સૂર ઉઠયા, 2001ની બેંચના સિનિયર PIને સારા પોલીસ સ્ટેશન ફળવાય તે માટે માગ !
અમદાવાદ શહેરમાં ઘણા પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ છે, તેની સામે ઘણા સિનિયર પીઆઈ કે જેઓ કંટ્રોલ રૂમ અને સ્પેશિયલ બ્રાન્ચમાં બેઠા છે, જે પીઆઈઓની મોટા અને ભારે પોલીસ સ્ટેશનમાં જરૂર છે તેવા પીઆઈ બ્રાન્ચમાં બેઠા છે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાત અમે લખી રહ્યાં છે, જેમાં ઘણા પીઆઈઓ વચ્ચે એવી પણ વાત ચાલી રહી છે કે, અમને પણ સારા પોલીસ સ્ટેશન મળે અને બ્રાન્ચની બહાર આવી શકીએ અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવીએ, ત્યારે ઉચ્ચ અધિકારીના નિર્ણય સૌ કોઈને માન્ય હોય છે અને માન્ય રાખવા પણ પડે, ત્યારે સિનિયર અને સારી છબી ધરાવતા પીઆઈઓને પણ સારા પોલીસ સ્ટેશનમાં કામ કરવાની તક મળે તેવું તેઓ ઈચ્છી રહ્યાં છે, આ માગ એટલે ઉઠી કે, કૃષ્ણનગર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી છે અને તે પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે સિનિયર પીઆઈ આવે તેવી પોલીસની પણ માગ છે. તો પોલીસબેડામાં એવી પણ ચર્ચા છે કે 2008 બેંચના પીઆઈઓને સારા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે.
શ્યામલ ચાર રસ્તા હોય કે પછી ઈસ્કોન ચાર રસ્તા હોય શટલીયાના ચાલકોએ ત્રાહિમામ કરી નાખ્યો !
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે, સવારના સમયે જુઓ કે સાંજના સમયે જુઓ તમને ચારે બાજુ ટ્રાફિક તો જોવા મળશે સાથે સાથે શ્યામલ ચાર રસ્તાથી 132 ફૂટ જવાના રીંગ રોડ પર જુઓ તો રોડની વચ્ચે રીક્ષાના શટલીયા જોવા મળશે અને તેની આગળજ ટ્રાફિક પોલીસનું બુથ છે શું ટ્રાફિક પોલીસને આ બાબતની ખબર નથી અને ખબર છે તો કેમ કોઈ કાર્યવાહી કરતા નથી, જેના કારણે ટ્રાફિકજામ થાય છે તેની સામે કાર્યવાહી નહી ! તેવી જ રીતે ઈસ્કોન મંદિર પાસે જાહેર રોડ પર શટલીયા અને કારમાં ભરીને લોકો જતા જોવા મળશે એક તરફ ટ્રાફિક તો છે સાથે સાથે રોડની વચ્ચે ઉભા રહીને આ લોકો પણ ધંધો કરી રહ્યાં છે અને જે તે ડિવિઝનની પોલીસ મૂંગાની જેમ ઉભી હોય છે, સામન્ય વાહનચાલકનું વાહન તમે ટોઈંગ કરી લો છો તો પોલીસને દેખાય પણ છે તો કેમ શટલીયા સામે કાર્યવાહી નહી !
પશ્ચિમ વિસ્તારમાં એક પીઆઈને ચિંતા છે કેનાલની, તો રોડ જેની હદમાં આવે છે તે ટ્રાફિક પીઆઈ મજાના મૂડમાં છે
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોલેજની નજીક આવેલી એક કેનાલમાં એક વર્ષ અગાઉ બાળકો સ્ટંટ કરતા હતા અને કાર સાથે તેઓ કેનાલમાં ખાબકતા તેમના મોત થયા હતા, ત્યારે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો, કેનાલની નજીક આવેલા પોલીસ સ્ટેશનના પીઆઈને ચિંતા થઈ છે કે, કેનાલ નજીકનો રોડ ટ્રાફિકમાં આવે છે પણ ટ્રાફિકના પીઆઈ આ મામલે ગંભીર નથી, અવાર-નવાર કેનાલની ફરતે વાડ મૂકાવવા માટે નર્મદા નિગમને પણ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ વાત સાંભળતું નથી, તો ટ્રાફિકના પીઆઈ પણ આ મામલે રજૂઆત કરવામાં ઢીલાશ મૂકી રહ્યાં છે, આ કેનાલની જગ્યા એવી છે કે જો સામસામે કોઈ આવી જાય તો પણ અકસ્માત થઈ શકે છે અને વાહન સાથે કેનાલમાં ખાબકી શકે છે.