રાજ્યમાં નવરાત્રિ પર્વ આન, બાન અને શાન સાથે ઉજવાઈ રહ્યું છે. એકાદ બે નાની મોટી ઘટનાને છોડીને અમદાવાદ શહેરમાં પણ શાંતિ ચાલી રહી છે. હા એ વાત અલગ છે કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. વાત હવે પોલીસ પંચાતમાં તોડ, ઉઘરાણા અને વહિવટોની કે જેને સંદેશ ડિજિટલ ખુલ્લુ પાડી રહ્યું છે. તો વાંચો આજની ખાસ વિગતો..


લો બોલો શહેરના શાહી વિસ્તારમાં પી.આઈ બનેવી અને સાળો વહિવટદાર !

શહેરના પોશ વિસ્તારો પૈકીમાં જેમની ગણના થાય છે અને પોલીસ મથકોનું ‘શાહી’ સ્થળ ગણાતા પોલીસ વિસ્તારમાં ગોઠવાયેલી વ્યવસ્થાને જોઈ કવિ મુકુલ ચોક્સીની પંક્તિ યાદ આવી જાય કે “માઈક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડીનર અને તું લંચ ખા.. ગામનું કલ્યાણ કરીશું આપણે, હું તલાટી થાઉં, તું સરપંચ થા” બસ આ જ રીતે કલ્યાણકારી ડોટ કોમ વાળી સ્કિમ હેઠળ રાજ કરી રહેલા પોલીસ મથકના આ મહાનુભાવો માટે ખેતર પણ મારૂ અને ‘રથ’ પણ ઘરના જેવો ઘાટ છે.. હવે કોને નારાજ રાખવા કે કોને બગીચામાંથી ફુલો તોડીને આપી ખુશ કરવા એ તમે પણ જુઓ છો અને ગામ પણ.

નાના વહિવટદારોને ફુટબોલ બનાવી નાખતા મોટા અધિકારીઓના વહિવટદારો પહેલા ખોળાના છે?

શહેર પોલીસ જ નહી પણ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ચાલતા વહિવટદારોની પ્રથા ક્ચારેય નાબુદ થઈ શકશે નહી અને કોઈ કરવા પણ જશે તો આંતરિક વહિવટ અને વ્યવસ્થા ખોરવાઈ જવાના ચાન્સ પણ રહી શકે. સરકારમાં રહીને ખાનગી રીતે વહિવટની પ્રથામાં વહિવટમાં પીઆઈને પણ સાચવવામાં આવતા હોય છે, પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અમદાવાદમાં ઘણા વહિવટદારો પોતાની સીટ છોડતા નથી અને 10 વર્ષ કરતા પણ વધારે સમયથી એક જ જગ્યાએ વહિવટ કરી રાજ કરી રહ્યાં છે, તો નાના પોલીસ સ્ટેશનના પીઆઈનો વહિવટ કરતા વહિવટદારોને તરત ધ્યાને રાખીને K કંપનીમાં બદલી કરી દેવામાં આવે છે, પરંતુ શહેરની મોટી એજન્સીમાં વહિવટ કરતા વહિવટદારોની બદલી કેમ K કંપનીમાં થતી નથી, તેમના પર કોના આશર્વાંદ હશે? એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓના વહિવટદારો વધારે પાવરફૂલ ગણાય છે જે વર્ષો થી જેતે જગ્યા ઉપર અડિંગો જમાવી બેઠ્યા છે આ વહિવટદારોની ફોજ અલગ જ હોય છે. મોટી એજન્સીના વહિવટદારોને ક્યારેય ‘K કંપની’ જેવી સાઈડ પોસ્ટિંગ આપવામાં આવતી નથી તો હવે ઉચ્ચ અધિકારીઓ સબક બેસાડવા બે-પાંચને K કંપનીનું બોર્ડ પકડાવે તો સબક બેસે.

લાયન’ ડિવિઝનમાં અત્યારથી દિવાળીના ઉઘરાણા શરૂ થયા !

અમદાવાદ શહેરમાં ઉચ્ચ અધિકારીઓથી લઈ પીઆઈ સુધી વહિવટદારોનું રાજ રહેતું હોય છે, ત્યારે અમદાવાદના લાયન ડિવિઝનમાં ઉચ્ચ અધિકારીને એવું થયું કે પછી કઈ મળે કે ના મળે એના કરતા અત્યારથી ઉઘરાણા શરૂ કરાવી દો, ત્યારે ઉચ્ચ અધિકારીના વહિવટદાર કે જેઓની બદલી તળાવોના શહેરની વચ્ચે થઈ છે અને તેમના પેટા વહિવટદાર તરીકે પણ ‘ગિરી’નાર તરીકે ઓળખાતો વહિવટદાર વહિવટ કરી રહ્યો છે, દિવાળીનો સમય નજીક હોવાથી વહિવટદારે સ્પા, ગેસ્ટ હાઉસ, બિલ્ડરો અને વેપારીઓ પાસેથી અત્યારથી રૂપિયા ઉઘરાવાની શરૂઆત કરી છે તેવી વાત પોલીસબેડામાં ચાલી રહી છે, પોલીસના સૂત્રોનું કહેવું છે કે, દિવાળીના પહેલાના સમયે શાંતિ રહે તે માટે લાયન ડિવિઝનના વહિવટદારે બુદ્ધી વાપરીને અત્યારથી જ બજારમાં ઉઘરાણાના સૂત્રને સાર્થક કર્યુ છે.

અમદાવાદની ટ્રાફિક પોલીસ તોડ કરવામાં TRBની મદદ લે છે ?

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ટીઆરબીની નિમણૂંક કરી છે, પરંતુ ઘણા કિસ્સાઓ અમદાવાદમાં એવા બન્યા છે જેમાં ટ્રાફિક પોલીસ કરતા તો ટીઆરબી જવાનો રૂપિયાની ઉઘરાણી કરી લેતા હોય છે, આવી સમસ્યાઓ ઘણી છે અને પોલીસને પણ ખબર છે કે ટીઆરબી જવાનો તોડ કરતા હોય છે પણ હળી મળીને ખાવું એ નોકરી એ શિખવાડેલી ટ્રિક છે, ત્યારે પ્રવાસીને ધમકાવીને તેની પાસેથી દોઢ લાખ પડાવી લેવામાં 2 ટીઆરબી જવાનો પણ સામેલ હતા અને ચાંદખેડામાં તે બાબતે ગુનો નોંધાયો છે, ટીઆરબી જવાનોનો ત્રાસ વધી ગયો છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ તેમને છાવરે નહી તે જરૂરી બન્યું છે, ટીઆરબી રૂપિયા ઉઘરાવે અને ટ્રાફિક પોલીસ તેમાં ભાગ પડાવે છે તેવી વાત પોલીસ બેડામાં ચાલી રહી છે.

આ નવરાત્રિમા પોલીસને પાસ ઓછા પડ્યા?

નવરાત્રિ એવો તહેવાર છે કે જેમાં અબાલ,વૃદ્ધથી લઈ મહિલાઓ મોજથી મેદાને ગરબે ઘુમતા જોવા મળતા હોય છે. આ બધા વચ્ચે મોંઘવારી અને પાસનો જુગાડ કરવો અઘરો થઈ પડતો હોય છે. પોતપોતાની ઓળખાણથી વહિવટો કરનારાઓની પરખ જ આ સમયમાં થતી હોય છે. હવે વાત પોલીસના પાસ અને વહિવટની તો , આ વખતે પાસ ઓછા આવ્યા હોવાનો કચવાટ તમામ વહિવટદારો અને પી.આઈ કક્ષાના અધિકારીઓ પર જોવા મળતો હતો. સારા અને ક્રીમ પાસ DCP-ACP-JCP લેવલથી ગળાઈને નીચે આવતા સુધીમાં કચરો થઈને પોતાના સોર્સ સુધી પોંહચાડવાનો વારો આવતા નાના પોલીસ કર્મીઓમા ગણગણાટ રહ્યો કે ભાઈ અમારે અમારા વિસ્તારમા કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો શું કરવાનું? એક નવરાત્રિ જે પોતાને ઉજળી દુધ જેવી ગણાવે છે તેણે તો એકદમ ઉપલા સ્તરે જ કહેવડાવી દીધુ હતું કે અમારી ક્રીમ ક્રાઉડમાં ફ્રી પાસની એન્ટ્રીની અપેક્ષા પુરી નહીં થઈ શકે.

  • Follow us on: