અમદાવાદના નાના ચિલોડા સર્કલ પાસે આજે સવારે દારૂબંધીના નિયમોને નેવે મૂકનારો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પેટ્રોલીંગ કરી રહેલી નરોડા પોલીસે બે મહિલા બુટલેગરોને બિયરના ટીનથી ભરેલા થેલાઓ સાથે ઝડપી પાડતા જ સ્થળ પર ભારે બબાલ મચી ગઈ હતી. પકડાઈ ગયેલી મહિલાઓએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતા રોડ વચ્ચે જ થેલાઓ મૂકી દીધા હતા અને પોલીસ કર્મચારીઓ પર બિયરના ટીનના ઘા કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે જાહેર માર્ગ પર ભારે રકઝક અને હોબાળો થયો હતો.


મહિલા બુટલેગરોએ પોલીસ પર બિયરના ટીન ફેંક્યા!

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, આજે વહેલી સવારે બનેલી આ ઘટના ફરી એકવાર કાયદાના અમલ સામે સવાલો ઊભા કરે છે. મહિલા બુટલેગરોએ કાયદાનો ડર રાખ્યા વિના પોલીસ સામે જ જે પ્રકારનો ઉગ્ર વ્યવહાર કર્યો, તે દર્શાવે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં પોલીસનો ખોફ ઘટી રહ્યો છે. જોકે, નરોડા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મહિલાઓએ હુમલા માટે ઉપયોગમાં લીધેલા બિયરના ટીન ભરેલા તમામ થેલાઓ જપ્ત કરીને આ મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરોડા પોલીસે થેલાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પકડાયેલી બંને મહિલા બુટલેગરો સામે દારૂબંધી અને ફરજમાં રૂકાવટના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જપ્ત કરેલા બિયરના જથ્થાની ગણતરી અને મહિલાઓ ક્યાંથી આ જથ્થો લાવી હતી અને કોને વેચવાનો ઈરાદો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે, અને પોલીસ હવે આ બુટલેગીંગના નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.


  • Follow us on: