અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાંથી 120 કિલો ચાંદી લઈને ફરાર થયેલા બે સેલ્સમેનની સોલા પોલીસે ધરપકડ કરી છે. સાથે જ 1 કરોડનો ચાંદીનો મુદ્દામાલ રિસીવ કરનાર આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે ચોરી ક્યા કારણોસર કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જે અંગે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


પોલીસે આરોપીઓની પાટણ પાસે ખેતલા ગામથી ધરપકડ કરી

અમદાવાદના ચાણક્યપુરીમાં આવેલી આરવ ઝવેરીમાંથી 1.10 કરોડની 120 કિલો ચાંદી લઈને બે સેલ્સમેન ફરાર થઈ ગયા હતા. જે અંગે સોલા પોલીસે સેલ્સમેન અજય દેસાઈ અને પિયુષ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓની પાટણ પાસે ખેતલા ગામથી ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપીઓ પાસેથી 101 કિલો ચાંદી કબજે કરવામાં આવી છે. આરોપી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા. તેમાંથી વેચવાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી મુદ્દામાલ વેચે તે પહેલા જ ઝડપાઈ ગયા

આરવ ઝવેરીમાં મેનેજરને 4 દિવસ પહેલા અજય દેસાઈના પિતાનો ફોન આવ્યો હતો. જેમાં અજય ઘરે ન આવ્યો હોવાની માહિતી મળતા પિયુષ દેસાઈ અને અજય બંને દાગીના લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યુ હતું. જે અંગે પોલીસે તપાસ કરતા આરોપી પાટણ હોવાનું સામે આવ્યું હતું. જેથી પાટણ ખાતેથી કુલ 3 આરોપીની ધરપકડ કરી, જેમાં કમલેશ દેસાઈ ચાંદીનો મુદ્દામાલ રિસિવ કરવાનો હતો. જોકે આરોપી મુદ્દામાલ વેચે તે પહેલા જ આરોપી ઝડપાઈ ગયા છે. આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે કમલેશ અગાઉ પણ લૂંટના ગુનામાં મુદ્દામાલ રિસીવ કર્યો હતો. જે ગુનામાં પણ આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. જેથી આ ગુનામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

  • Follow us on: