ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરતા બે ભાઈઓની આનંદ નગર પોલીસે ધરપકડ કરી છે. બંને ભાઈઓએ અંદાજિત 20થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ન માત્ર આનંદ નગર પરંતુ ક્રાઈમ બ્રાન્ચ, સેટેલાઈટ અને વાસણામાં પણ અરજીઓ નોંધાઈ છે. જેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ બનાવટી લેટર બનાવનાર વધુ એક ફરાર આરોપીનું નામ સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
અગાઉ પૂર્વ શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
અમદાવાદના આનંદ નગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપી ભાઈઓના નામ વંદિત સુરેશ શાહ અને વિશાંત સુરેશ શાહ છે. જે બંને આનંદ નગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આપવાની લાલચે ફરિયાદી રવિ શર્મા અને નીરવ ઉપાધ્યાય પાસેથી 10.40 લાખની છેતરપિંડી કરી હતી. જોકે ભોગ બનનારને રૂપિયા કે મકાન ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં અગાઉ પૂર્વ શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બંને ભાઈઓ ફરાર હોવાથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 72 મુજબનું વોરંટ મેળવી તેમની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કુલ 18થી 20 જેટલા ભોગ બનનાર લોકોએ ક્રાઈમ બ્રાન્ચ, વાસણા, સેટેલાઈટ અને આનંદ નગર પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી.
100 મકાનો અલોટ કરવાની મંજૂરી મળી હોવાની વાત કરી
ઝડપાયેલા બંને ભાઈ વંદિત અને વિશાંતની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે બંને આરોપીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના નાયબ સેક્સન ઓફિસર પી.ડી.ઝાલા અને એચ. એમ. ઝાલા તરીકેની ઓળખ આપતા હતા. આ ઉપરાંત ટાઈટેનિયમ સિટી સેન્ટરમાં પોતાની ઓફિસ ખોલી લોકો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન આપવાના બહાને ઠગાઈ કરતા હતા. આ ઉપરાંત પણ આરોપીઓ ભોગ બનનારને જણાવતા હતા કે ગાંધીનગર ખાતે તેમનું સેટિંગ હોવાથી સાયન્સ સિટીની શિવાલિક અને થલતેજની તક્ષશિલા નામની ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાંથી 100 મકાનો તેને અલોટ કરવાની મંજૂરી મળી હોવાની વાત કરી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. ઉપરાંત જો કોઈ વ્યક્તિ એલોટમેન્ટ લેટર અથવા તો ડોક્યુમેન્ટની માગણી કરે તો આ કેસના ફરાર આરોપી જોન્ટી સૈજા પાસેથી ડોક્યુમેન્ટ બનાવી આપતો હોવાનો પણ ખુલાસો થયો છે. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
બંને ભાઈઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી
છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા બંને ભાઈઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી ગઈ અને આરોપીઓએ ન માત્ર મકાન આપવાના બહાને પરંતુ કસ્ટમના મોબાઈલ સસ્તા ભાવે આપવાની લાલચે પણ લોકો સાથે ઠગાઈ કરતા હતા. જે ફોનની માર્કેટ કિંમત 75,000 કે તેનાથી વધુ હોય તેવા ફોન 50,000માં આપવાની લાલચ આપી લોકો પાસેથી એડવાન્સ રૂપિયા લઈ મોબાઈલ ફોન ન આપી શકાય કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓ વિરુદ્ધ અરજીના કામે પણ વધુ ગુના નોંધાઈ શકે છે.