અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ. 241 મુસાફરોના મોત થયા. જે બાદ મૃતકોના પરિજનોને એર ઇન્ડિયા દ્વારા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીએ કે, પ્લેન દુર્ઘટનાને લઇને જાહેર કરાયેલી સહાય કેટલી ચૂકવવામાં આવી છે.
કેટલી મળી છે સહાય ?
એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તથા મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને એરલાઇનના કર્મચારીઓને એક આંતરિક પોસ્ટમાં માહિતી આપી હતી કે અમારી ટીમો પરિવારોને વચગાળાનું વળતર મેળવવામાં મદદ કરી રહી છે. દરેક અસરગ્રસ્ત પરિવારને એર ઇન્ડિયાના પ્રતિનિધિ દ્વારા સીધી સહાય કરવામાં આવી રહી છે, જેમાં લગભગ બે તૃતીયાંશ પરિવારોને પહેલાથી જ ચુકવણી મળી ગઈ છે અથવા ચુકવણીના અંતિમ તબક્કામાં છે. ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સે જણાવ્યું હતું કે ટાટા સન્સ પરિવારો અને બચી ગયેલા લોકોને લાંબા ગાળાની સહાય પૂરી પાડવા માટે મિકેનિઝમ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે.
12જૂને બની હતી પ્લેન દુર્ઘટના
મહત્વનું છે કે 12 જૂને આ ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમ લાઇનર વિમાન AI 171 ક્રેશ થઇ ગઇ હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું. એર ઈન્ડિયાના વિમાન AI-171માં 242 મુસાફરો સવાર હતા.
કેટલી મળશે સહાય ?
મહત્વનું છે કે એર ઇન્ડિયાની મૂળ કંપની ટાટા સન્સે જાહેરાત કરી હતી કે દુર્ઘટનામાં જીવ ગુમાવેલા દરેક વ્યક્તિના પરિવારોને એક કરોડ રૂપિયા અપાશે. જ્યારે 14 જૂનના રોજ એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રત્યેક મૃતક અને જીવીત વ્યક્તિના પરિવારને તાત્કાલીક સહાય માટે 25 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.













