અમદાવાદ ગ્રામ્યના ધોળકા વિસ્તારમાંથી 30 તારીખની વહેલી સવારે સાત માસની બાળકીનું અપહરણ થયું હતું. તે ગુનામાં પોલીસે અમદાવાદ અને નાસિકના કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી મનીષા મહેશ સોલંકી તેનો પતિ મહેશ સોલંકી તથા બિનલ સોલંકી, જયેશ રાઠોડ અને એજન્ટ સમાધાન જગ્તાપની ધરપકડ કરી છે. ધોળકામાંથી બાળકીનું અપહરણ કરી આરોપીઓ બસમાં બેસી ઔરંગાબાદ ગયા હોવાની હકીકત સામે આવતા ઔરંગાબાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી મનીષા, બિનલ અને જયેશની ધરપકડ કરવામાં આવી. સાથે જ બાળકની ડીલેવરી લેવા આવનાર એજન્ટ સમાધાન જગતાપ પણ ત્યાંથી જ ઝડપાયો હતો. જે તમામની પૂછપરછ કરતા આ પહેલા પણ ચાર બાળકો વેચાયા હોવાની હકીકત સામે આવી છે.
મુખ્ય આરોપી આઈવીએફ સેન્ટરમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી
બાળ તસ્કરીના રેકેટ અંગે તપાસ કરવા પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાથે જ બાતમી મળતા મનીષા અને બિનલ આ રેકેટમાં સંડોવાયેલા હોવાની હકીકત સામે આવી હતી. જે હકીકતના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી, સાથે જ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મુખ્ય આરોપી મનીષા વર્ષ 2021થી અલગ અલગ આઈવીએફ સેન્ટરમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી. જે બાદ તેને મુલાકાત બીનલ સાથે થઈ સાથે જ ઝડપાયેલી આરોપી જયેશની બહેન પણ એગ ડોનર હોવાથી જયેશ સાથે મુલાકાત થઈ હતી. જોકે મનીષા અને બિનલ ઉંમરના કારણે હવે વધુ સમય એગ ડોનેટ કરી શકે તેમ ન હોવાથી બાળકો વેચવાનું રેકેટ શરૂ કર્યું હતું. જેમાં એક વર્ષમાં એક બાળક મુંબઈ અને ત્રણ બાળકો ઔરંગાબાદ વેચ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાંથી બે વર્ષથી નાના બાળકો ના અપહરણ અંગે નોંધાયેલી ફરિયાદની વિગત મગાવી તપાસ શરૂ કરી
બાળ તસ્કરી અંગે ખુલાસો થતા પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે વર્ષથી નાના બાળકો ના અપહરણ અંગે નોંધાયેલી ફરિયાદની વિગત મગાવી તપાસ શરૂ કરી છે. સાથે જ અગાઉ વેચાયેલા ચાર બાળકો અંગે ફરિયાદ ન નોંધાયું હોવાનું સામે આવતા બાળકોની માતા પિતાની મંજૂરી સાથે બાળક વેચાયા હોવાનું પણ પોલીસ માની રહી છે. ઝડપાયેલા બંને મહિલા આરોપીને એગ ડોનેટ કરવા માટે 25થી 30 હજાર રૂપિયા મળતા હતા. જે એગ ડોનેટ કરવા તેઓ હૈદરાબાદ, ઔરંગાબાદ, તેલંગાણા, નાસિક સહિત અલગ અલગ શહેરોમાં જતી હોવાથી બાળ તસ્કરીના એજન્ટો સાથે મુલાકાત થઈ હતી અને નિ:સંતાન દંપતી ઊંચા ભાવે પણ બાળકો ખરીદતા હોવાનું જાણવા મળતા બાળ તસ્કરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડમાં અન્ય કોની કોની સંડોવણી?
ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બાળ તસ્કરીનું રેકેટ ચલાવી રહ્યા છે અને આ કેસમાં અન્ય પાંચથી છ આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, સાથે જ દિલ્હી અને હૈદરાબાદ પોલીસે ivf સેન્ટરો થકી ચાલતા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. જે આરોપીઓ સાથે ઝડપાયેલા આરોપીઓની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ કાર્યવાહી કરશે. સાથે જ બાળ તસ્કરીના આ કૌભાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.