અમદાવાદ જિલ્લામાં ધોળકામાં સવાનરા સમયે 7 માસની બાળકીના થયેલા અપહરણ કેસમાં પોલીસે 2 મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. આ આંતરરાજ્ય ટોળકી ધોળકાથી બાળકોનું અપહરણ કરીને મહારાષ્ટ્રમાં વેચી દેતી હોવાનો પર્દાફાશ થયો છે.


પોલીસે 4 ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે કહ્યું હતું કે ગત 30 તારીખે ધોળકામાં સવારે એક 7 મહિનાની બાળકીનું અપહરણ થયુ હતુ જે મામલાને ગંભીરતાથી લઇને પોલીસે 4 ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. પોલીસે 100થી વધુ સીસી ટીવી ચેક કર્યા હતા અને આખરે એક શંકાસ્પદ બાઇક જોવા મળતા પોલીસે આ બાઇકને ટ્રેસ કરી હતી જેમાં આ ટોળકી વિશે પોલીસને માહિતી મળતી હતી.

મનીષા અને બિનલ નામની મહિલા બાળકને ચોરી લઈ ગઈ

પોલીસે કહ્યું હતું કે મનીષા અને બિનલ નામની મહિલા બાળકને ચોરી લઈ ગઈ હોય તેવી શક્યતા હતી જેથી તેના આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં આ આરોપી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હોવાની માહીતી મળતા સ્થાનિક પોલીસને જાણ કરાઇ હતી જેથી સ્થાનીક પોલીસે જયેશ અને બે મહિલા ની ધરપકડ કરી હતી. પોલીસે જગતાપ નામના એક વચેટીયા શખ્સને પણ ઝડપી પાડ્યો હતો.

બંને મહિલા એગ ડોનર હતી

પોલીસે જણાવ્યું હતું કે 2021 થી મનીષા અલગ અલગ જગ્યાએ આઇવીએફમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી. મનીષા ની સાથે બિનલે પણ એગ ડોનેટ કરતાં બંનેની મુલાકાત થઈ હતી

બાળ તસ્કરીનું મોટું કૌંભાડ હોવાની આશંકા

આખરે પોલીસે સાત માસની બાળકીને આ ટોળકીની ચુંગાલમાંથી છોડાવી હતી અને તેની માતાને સોંપી હતી. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ ઘણી બાળકીઓનું આ પ્રકારે અપહરણ કર્યું હોવું જોઇએ જેથી પોલીસ ટોળકીની પૂછપરછ કરી રહી છે.

પરિવાર પાસે સુતેલી બાળકી અચાનક ગાયબ

ઉલ્લેખનિય છે કે ગત 30 તારીખે ધોળકામાં ગરીબ પરિવારની 7 માસની બાળકી અચાનક જ ગુમ થઇ ગઇ હતી. જેથી માતા પિતાએ ભારે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. માતાની બાજુમાં સુતેલી બાળકી અચાનક કેવી રીતે ગુમ થઇ તે શોધવા પોલીસે આકાશ પાતાળ એક કરી દીધા હતા અને આખરે પોલીસને સફળતા મળી હતી.


  • Follow us on: