પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.


દાસ્તાન સર્કલ અને સરદાર પટેલ રિંગરોડ પર થયેલ તોડના આરોપીઓ હજી નિકોલ પોલીસની પકડની બહાર ?

નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં એક મહિના અગાઉ એક ગુનો નોંધાયો હતો જેમાં ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે અજાણ્યા 4 શખ્સ કે જેની ઓળખ ફરિયાદીને પોલીસ તરીકે આપી હતી અને તમારા ફોનમાં ક્રિકેટ સટ્ટાનું આઈડી છે અને તમે સટ્ટો રમો છો અને તમારા પર કેસ થશે તેવું કહીને જબરજસ્તીથી અલગ-અલગ રીતે 5,88,000 રૂપિયા કઢાવી લીધા હતા, આ કેસમાં નિકોલ પોલીસે હજી આરોપીને ઝડપ્યા નથી, આ કેસના આરોપી આટલા સમયથી કેમ પોલીસની પકડમાં આવ્યા નથી અને પોલીસ આ આરોપીઓને પકડવામાં કેમ ઢીલાશ દાખવે છે તેને લઈ અમદાવાદ શહેર પોલીસમાં ગણગણાટ શરૂ થયો છે. ખરેખર તોડ કરનાર હતા કોણ તેને લઈ પોલીસને પણ રસ જાગ્યો છે. એક ચર્ચા એ પણ છે કે કદાચ આરોપીઓ પકડાઈ જાય તો સાચા આરોપીનું નામ બહાર તો નહીં આવી જાય ને ? જોઈએ ક્યારેક ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારના કેસમાં મામલો ઠંડો ન પડી જાય ત્યાં સુધી ઓરોપીઓને હાજર નથી કરાવતા. મામલો ભુલાઈ કે ભુંસાઈ ગયા બાદ બધુ પાછુ જેસે થે.

કૃષ્ણનગર, ચાંદખેડા, ખોખરામાં પીઆઈ તરીકે જવા ઘણા અધિકારીઓએ રસ દાખવ્યો

અમદાવાદ શહેરમાં બે પોલીસ ઈન્સપેકટરની વડોદરા બદલી કરવામાં આવી છે અને એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પીઆઈની બદલી તો આવી ગઈ છે પરંતુ તહેવારનો સમય હોવાથી હાલમાં તેમને છૂટા કરવામાં આવ્યા નથી, તો ખોખરા પોલીસ સ્ટેશનને ચાર્જમાં ચલાવવામાં આવી રહ્યું છે, આ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે જવા માટે ઘણા અધિકારીઓએ રસ દાખવ્યો છે, ઘણાએ જે તે વિસ્તારના ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો છે કે અમને આ 3 પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસ સ્ટેશન મળે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જવા માટે ઘણા બધા પીઆઈઓએ રસ દાખવ્યો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.

સુરક્ષિત વેપાર અને સુરક્ષિત દિવાળીનું સ્લોગન અમદાવાદ શહેર પોલીસનું

ઝોન-2 ના DCP ભરતકુમાર રાઠોડ અને ACP ડી.વી રાણાની અધ્યક્ષતામાં જ્વેલર્સ અને આંગડિયા પેઢીના પ્રતિનિધિઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં તહેવારોમાં તકેદારી રાખવા, CCTV લગાડવા અને વાહનોમાં GPS વાપરવા જેવા સૂચનો અપાયા હતા, બીજી તરફ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સેફ સિટી પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ શહેરના 500 લોકેશન્સ પર IP-બેઝ્ડ કેમેરા લગાવવામાં આવશે. આ સાથે ડાયલ 100, 112 અને અન્ય હેલ્પલાઇન દ્વારા મળતી ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલથી શહેરમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત થશે આગામી દિવસોમાં દિવાળીના તહેવાર નિમીતે ઝોન-5 વિસ્તારના આંગડીયા તથા ડાયમંડના વેપારીઓ સાથે સરદાર પટેલ ડાયમંડ માર્કેટ,બાપુનગર ખાતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કૃણાલ દેસાઇની અધ્યક્ષતામા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને વેપારીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં નાની વાતોમાં હત્યાને અંજામ આપી દેવાની ઘટનાઓ વધવા લાગી છે. તહેવારોના સમયગાળામાં રાત્રિના સમયે કે દિવસે પેટ્રોલિંગ કરતી પોલીસને પડકાર આપતી આ ઘટનાઓ જે રીતે ભેગી થઈ રહી છે તેને લઈને સામાન્ય લોકોમાં ક્રાઈમ રેટ અને ગુનાઓને લઈ ચિંતા વધવા લાગી છે. થોડા સમય પહેલા જ અમદાવાદ સેફેસ્ટ સીટીના ક્રમાંકમાં પ્રથમ આવ્યું હતું અને હવે એક પછી એક ઘટનાઓને જોતા લાગે છે અધિકારીઓ માટે પોતાની ટિમને એકિટવ કરવાનો સમય આવી ગયો છે. મોટી જનસંખ્યા વચ્ચે ક્રાઈમનો રેશિયો ભલે ગમે તે હોય પણ ટિપે ટિપે ગુનાઓનું ભરાઈ રહેલું સરોવર જાંબાઝ પોલીસ માટે નીચાજોણુ સાબિત કરે છે.

ટ્રાફિકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ગાંજાની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો

ઘણા કિસ્સા એવા પણ સાંભળ્યા છે કે, બુટલેગરને દારૂનો ધંધો કરાવવા માટે પોલીસના વહિવટદારો રૂપિયા આપતા હોય છે અને જે તે વિસ્તારમાં દારૂનું વેચાણ કરાવતા હોય છે, બુટલેગર જોડે રૂપિયા ના હોય તો તેને વ્યાજે આપીને પણ ધંધો કરાવતા હોવાની વાત સૂત્રો તરફથી મળી છે, એક ખાખી કે જેની જવાબદારી સેવા, સુરક્ષા અને શાંતિની છે, તેમ છત્તા જો સહદેવસિંહ કે જેમનું નામ ડ્રગ્સ રેકેટમાં ખુલ્યું છે અને પોલીસે જ પોલીસની ધરપકડ કરી છે તે સારી વાત છે, પણ આવી પોલીસ જો અમદાવાદ જ નહી પણ ગુજરાતની પોલીસનું નામ ખરાબ કરતી હોય તો આનાથી મોટી કોઈ વાત ના હોઈ શકે. સહદેવસિંહ હાલમાં તો જેલના સળિયા ગણી રહ્યો છે પણ બેનંબરના ખેલ ખેલી રહેલાઓ માટે આ લાલબત્તી સમાન છે.


  • Follow us on: