અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીનો દોર શરૂ કરાયો છે. આજે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા કેલા વાલી મસ્જિદ સામેના એક ત્રણ માળના ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બિલ્ડિંગનું બાંધકામ કોઈપણ પ્રકારની જરૂરી પરવાનગી લીધા વિના ઊભું કરી દેવામાં આવ્યું હતું.
નિયમોનો ભંગ કરનાર સામે તવાઈ
લાંબા સમયથી ચાલી રહેલા આ ગેરકાયદે બાંધકામની ફરિયાદ મળ્યા બાદ તંત્રએ નોટિસ આપી હતી અને ત્યારબાદ તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તંત્રએ બુલડોઝરની મદદથી ગેરકાયદે ઊભું કરાયેલું આ 3 માળનું માળખું સંપૂર્ણપણે જમીનદોસ્ત કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી ગેરકાયદે બાંધકામ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે અને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર સામે તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલ નહીં મૂકે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે.













