અમદાવાદના દાણીલીમડામાં ઘરેલુ ગેસને કાઢી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે બાતમીને આધારે લોકેશન પર રેડ કરીને 65 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જગદીશ ઝાલા, ગણપત ઉર્ફે કલાભાઇ પરમાર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે અને તેમની વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે આર્થિક લાભ માટે આ પ્રવૃતિ કરતા
દાણીલીમડાની આશીર્વાદ ગેસ એજન્સીના લોડરને 100 રૂપિયા કમિશન આપીને 950 રૂપિયે આરોપીઓ સિલિન્ડરની ખરીદી કરતા હતા, ત્યારબાદ ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરીને વેચતા હતા. આરોપીઓ હોટલ તેમજ અન્ય કંપનીઓમાં 1,450ના ભાવે ગેસ સિલિન્ડર વેચતા હતા. આરોપીઓ કોઈ પણ લાઈસન્સ કે પરમિટ વિના ગેરકાયદે રિફિલિંગનું કામ કરતા હતા. આ અંગે આશીર્વાદ ગેસ એજન્સીના માલિકને પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે આર્થિક લાભ માટે આ પ્રવૃતિ કરતા હતા.
26 જુલાઈએ સરખેજમાંથી ઝડપાયું ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું
અગાઉ 26 જુલાઈના રોજ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. સરખેજમાં પતરાના ગોડાઉનમાં આ કૌભાંડ ચાલતુ હતું. SOGએ દરોડા પાડીને ગેસ ચોરીનું કૌભાંડ ઝડપ્યું હતું અને સાથે જ 2 આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શીયલ સિલિન્ડર ભરી લેતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપતા હતા. આ સમગ્ર મામલે SOGએ દરોડા પાડીને રૂપિયા 2.32 લાખના 241 ગેસ સિલિન્ડર સાથે 2 લોકોની ધરપકડ કરી હતી.