ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગની શરમજનક ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સાથે સિનિયરો દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતિ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જુનિયર વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને આ અંગે એન્ટી રેગિંગ કમિટી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ પર રેગિંગની ફરિયાદ
રાજ્યના આરોગ્ય વિભાગે મેડિકલ કેમ્પસમાં બનેલી આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. આરોગ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ સમિતિ નીમવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઓર્થોપેડિક વિભાગના જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ થયું હોવાના પુરાવા મળી આવ્યા હતા. જેમાં બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓની સીધી સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તે હેતુથી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.













