1 જુનના રોજ અમદાવાદના વાડજના ઓડ વાસમાં ફુલીબેન ઓડની તેમના જ ઘરની બહાર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જોકે માતાને બચાવવા જતા પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. જે ગુનામાં ઝોન 1 LCBએ રાહુલ ઉર્ફે ચાંદો ઓડ અને પ્રદીપ ઉર્ફે પંકજ ઓડની ધરપકડ કરી છે. મહત્વનું છે કે રાહુલ ઉર્ફે ચાંદો મૃતક ફુલીબેનનો પાડોશી છે અને રૂપિયાની જરૂર હોવાથી લૂંટના ઈરાદે ફુલી બેન પર હુમલો કર્યો હતો. હુમલા પહેલા આરોપી પંકજે ઘરની મેન સ્વીચ બંધ કરી પાવર સપ્લાય રોકી લીધો હતો.


પોલીસે રાહુલ ઉર્ફે ચાંદો અને પ્રદીપ ઉર્ફે પંકજની ધરપકડ કરી

જે બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. પરંતુ ફુલીબેનના દાગીનાની આરોપીઓ લૂંટ કરે તે પહેલા તેમનો પુત્ર જાગી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. હત્યાના ગુનાની તપાસ કરતી પોલીસના શંકાના દાયરામાં મૃતક ફુલીબેનનો પુત્ર હતો. પરંતુ ટેકનિકલ એનાલિસિસ વડે તપાસ કરતા પોલીસને 400 જેટલા શકમંદો મળી આવ્યા હતા. જેઓ બનાવ સમય તે વિસ્તારમાં હાજર હતા. તે તમામની તપાસ કર્યા બાદ પોલીસે રાહુલ ઉર્ફે ચાંદો અને પ્રદીપ ઉર્ફે પંકજની ધરપકડ કરી છે. રાહુલની પૂછપરછમાં સામે આવ્યું કે તેને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હતી અને મૃતક ફુલીબેન દાગીના પહેરતા હોવાથી તે દાગીનાની લૂંટ કરવા લાંભા ખાતે રહેતા તેના મિત્ર પ્રદીપને બોલાવ્યો હતો.

આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

હત્યા બાદ મૃતકનો પુત્ર જાગી જતા બંને આરોપીઓ સાંકડી ગલીમાંથી નાસી છૂટ્યા હતા અને હત્યામાં વપરાયેલું હથિયાર પણ ત્યાં નાખી દીધું હતું. હત્યાના ગુનામાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે તો બીજી તરફ પકડાયેલા આરોપી પ્રદીપ અગાઉ શાહીબાગ, બાપુનગર, મેઘાણીનગર અને દાણીલીમડા સહિત પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેથી મહિલાની હત્યા કરવા માટે અથવા તો લૂંટ કર્યા બાદ તેને કેટલા રૂપિયા મળવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: