અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં 18 વર્ષના યુવકની સગીર તથા બે યુવકોએ હત્યા કરી છે. સામાન્ય રકમ માટે હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર ઘટના જોઈએ અહેવાલમાં.


ત્રણે આરોપીઓએ યુવકને માર મારી છરીના ઘા મારી ઈજાઓ પહોંચાડી

ખોખરા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બે આરોપીઓના નામ ગણેશ બાવેશકર અને સન્ની દંતાણી છે. ઉંમરમાં નાના દેખાતા આ બંને યુવકોએ ગુનાની દુનિયામાં મોટું કામ કરી નાખ્યું છે. જેના કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે. બનાવની વાત કરીએ તો મંગળવારે રાતના સમયે ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી રમણલાલ જોશીની ચાલીમાં રહેતો 18 વર્ષના શુભમ વાઘમારેની હત્યા કરવામાં આવી હતી. કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર અને તેની સાથે આ બે આરોપીઓ મૃતક શુભમ પાસે આવ્યા અને સગીર આરોપીએ શુભમે પૈસાની ચોરી કરી છે તેવું કહીને ઝઘડો કર્યો હતો. શુભમે પૈસા ચોરી ન કર્યા હોવાનું જણાવતા સગીર સહિતના ત્રણે આરોપીઓએ તેને માર મારી છરીના ઘા મારી ઈજાઓ પહોંચાડતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબે શુભમ વાઘમારેને મૃત જાહેર કરતા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી

સામાન્ય રૂપિયાની લેતી દેતીમાં સગીર સહિતના આરોપીઓએ ભેગા મળી એક યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. આ અંગે ખોખરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હત્યાનો ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલા સગીર સહિતના ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા આગળની તપાસ એસસીએસટી સેલને આપવામાં આવી છે. તેવામાં ખરેખર હત્યા પાછળ પૈસા જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ હતું, તેને લઈને પકડાયેલા આરોપીઓની વધુ તપાસ અને પોલીસે હાથ ધરી છે. હત્યાના ગુનામાં મુખ્ય આરોપી સગીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સગીરે જ મૃતકને છરીના ઘા મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનુ મોત નિપજ્યું છે. આ ઉપરાંત બંને આરોપી હત્યામાં સામેલ હોવાથી તેમના વિરુદ્ધ પણ પગલા લેવામાં આવ્યાં છે. જોકે હત્યાના એક બનાવમાં 4 પરિવારોએ પોતાના યુવાન દિકરા ગુમાવ્યા છે. એક મૃત્યુ પામ્યા તો અન્યને જેલમાં જવાનો સમય આવ્યો છે. 

  • Follow us on: