અમરેલી જિલ્લામા ખાંભાની ખાનગી બેન્કમાં યુવતીએ આપઘાત કરવાની ઘટના બનવા પામી હતી. યુવતીએ 28 લાખનું દેવુ થતાં સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું. યુવતીના આપઘાતની ઘટનામાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ખાંભા તાલુકાના ભાડ ગામની યુવતી ભૂમિકાબેન હરેશભાઇ સોરઠીયાએ જ્યાં કામ કરતી હતી તે આઈ.આઈ.એફ.એલ.બેન્કમાં ફરજ દરમિયાન અનાજમાં નાખવા માટેના ટિકડા પી આપઘાત કર્યો હતો.


પૈસા કમાવવાની લાલચમાં ફસાઈ યુવતી

બેંકમાં કામ કરતી યુવતી ભૂમિકા વધુ પૈસા કમાવવાની લાલચમાં એક શખ્સના ચક્કરમાં ફસાઈ ગઈ. આ શખ્સ ટેલિગ્રામ મારફતે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ટેલિગ્રામ પર આરોપી આ શખ્સ રિસેપ્સનિસ્ટ એધરેટ ઇસબેલા ડબલ ઝીરો પાંચસો તેતાલીસના આઈ.ડી.ધારક (receptionist@ isbella00543)ના નામે એકાઉન્ટ ધરાવે છે. આ શખ્સે મોબાઈલ ટેલિગ્રામ ચેટમાં યુવતી પાસેથી પૈસા મેળવી લીધેલા હોવા છતાં પણ વધુમાં વધુ રૂપિયાની માંગણી કરી હતી. તે પૈસા તેને પરત આપવાનું કહેતો હતો પરંતુ આપતો ન હતો.

આ શખ્સે ટોર્ચર કરતાં યુવતીએ કર્યો આપઘાત

ભૂમિકાને પૈસા આપવાના બદલે આ શખ્સ તેની પાસેથી વધુ રૂપિયાનું દબાણ કરવા ટોર્ચર કરવા લાગ્યો. આખરે આ શખ્સના સતત માનસિક ત્રાસથી કંટાળી તેમની પુત્રી ભૂમિકાએ જીવનમાં મોટી ભૂલ કરી હોય તેવું લાગતા ટિકડા પિ લીધા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારે આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેને શોધવા ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પોતાના આઈટી વિભાગની મદદ લઈ ટેલિગ્રામમાં receptionist@ isbella00543 નામે યુવતીના સંપર્કમાં આવનાર આ આઈડી ધારકની ઓળખ કરશે. હાલમાં પોલીસે યુવતીના આપઘાત મામલે પરિવારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: