અમરેલીમાં ગેરકાયદેસર રેતીચોરીનું દૂષણ માથું ઊંચકી રહ્યું છે. ગીરના જંગલમાંથી નીકળીને પાલિતાણા સુધી ફેલાયેલી અને ઈકો-સેન્સિટિવ ઝોનમાં આવતી શેત્રુંજી નદીમાં ભૂ-માફિયાઓ બેફામ રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. આ ઝોનમાં રેતી માટે લીઝની પરવાનગી ન હોવા છતાં ડમ્પરો અને લોડર જેવાં ભારે વાહનો સાથે ધોળા દિવસે રેતીચોરી થઈ રહી છે. સવારથી જ ખનીજ માફિયાઓ આ વિસ્તારમાં સક્રિય થઈ જાય છે અને પ્રતિબંધિત હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપે છે.
ઇકો સેન્ટેટિવ ઝોનમાંથી માટી ચોરી
આ રેતીચોરીને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સાથે જ નદીના તટપ્રદેશનું ધોવાણ પણ વધી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સાવરકુંડલા-અમરેલી રોડ પરના શેત્રુંજી નદીના પુલ પરથી અનેક અધિકારીઓ અને નેતાઓ પસાર થાય છે. છતાં તેમની સામે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.













